લાદેન જીવે છે, સ્નોડનનો દાવો

Wednesday 10th February 2016 07:36 EST
 

અમેરિકી ગુપ્તચર સંસ્થા સીઆઈએના ભૂતપૂર્વ કર્મચારી એડવર્ડ સ્નોડને આઠમીએ દાવો કર્યો છે કે અલ કાયદાનો વડો ઓસામા બિન લાદેન જીવતો અને તંદુરસ્ત છે. તેમની પાસે તેના પૂરતા પુરાવાઓ પણ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ૯/૧૧ હુમલાના જવાબદાર લાદેનને પાકિસ્તાનમાં ઘૂસીને મારી નાંખ્યો હોવાનો દાવો કર્યો છે, પણ સ્નોડને જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી સીઆઇએનો એજન્ટ રહી ચૂકેલો ઓસામા બિન લાદેન જીવતો છે. અમેરિકાએ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાઓ સાથે મળીને તેને મારવાનું નાટક કર્યું હતું. મારી પાસે તેના દસ્તાવેજો છે કે જે એવો સંકેત આપે છે કે ઓસામા સીઆઇએના પેરોલ ઉપર બાહમાસમાં રહે છે. તેને દર મહિને એક લાખ ડોલર આપવામાં આવે છે.

• પાક.ને જૈશના વડા અઝહર મસૂદ સામે કોઈ પુરાવા ન મળ્યા! પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકવાદી હુમલાની તપાસ માટે પાકિસ્તાન દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિએ અંતે જણાવી દીધું કે જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના વડા મસૂદ અઝહરની તેમાં કોઈ સંડોવણી નહોતી. પાકિસ્તાને મસૂદને નિર્દોષ જાહેર કરવાનું રટણ ચાલુ રાખતાં ભારતને સંદેશ મોકલાવી દીધો છે કે, પઠાણકોટ હુમલામાં ભારત જેને માસ્ટરમાઇન્ડ ગણાવી રહ્યો છે તે મસૂદ અઝહરની કોઈ સંડોવણી હોવાના પુરાવા જણાતા નથી.
• એમસ્ટર્ડેમ એરપોર્ટ પર હિન્દુ ધર્મગ્રંથોઃ નેધરલેન્ડ્ઝના સૌથી મોટા અને વિશ્વના વ્યસ્ત એરપોર્ટ્સમાં સ્થાન ધરાવતા એમસ્ટર્ડેમ શિફોલ એરપોર્ટ ખાતે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતા, ચાર વેદ અને અન્ય પવિત્ર ગ્રંથો રાખવામાં આવ્યા છે. પ્રવાસીઓ એરપોર્ટના એફ-ગેટ્સ નજીક ૨૪ કલાક ખુલ્લા રહેતા મેડિટેશન સેન્ટરમાં તેનો લાભ લઈ શકે છે. આ સેન્ટરમાં પ્રાર્થના, ધ્યાન-યોગ, મૌનની હળવાશ અને સામૂહિક પ્રાર્થના યોજી શકાય છે. નેવાડા (યુએસ)સ્થિત હિન્દુ અગ્રણી રાજન ઝેડે આ વ્યવસ્થાને આવકારી હતી. તેમણે વિશ્વના અન્ય અગ્રણી એરપોર્ટ્સને હિન્દુઓ માટે આવી વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો.
• ભુતાનના રાજકુટુંબમાં નવા યુવરાજનું આગમન થયુંઃ ભુતાનના રાજકુટુંબના કિંગ જીગમે ફેશર વાંગચુક અને મહારાણી જેતસુન પેમાના ઘરે બેબી પ્રિન્સનો જન્મ થયો છે અને ભુતાનના વડા પ્રધાન લિયોન્ગચેન ટોબગેએ દેશભરમાં ઉજવણીની જાહેરાત કરી છે.
• ઈરાન-અમેરિકાની દુશ્મની ભારતને ભારે પડશેઃ થોડા દિવસ પહેલાં ભારતને મનઘડંત ભાવે ખનિજ તેલ આપવા તૈયાર ઈરાન ભારત સામે એક શરત રાખવા સાથે ઈચ્છે છે કે ભારત સહિતના દેશો બાકી ચૂકવણી સાથે નવી ખરીદીની ચૂકવણી યુરોમાં કરે. અમેરિકી નેતૃત્વમાં લગાવાયેલા પ્રતિબંધો ગયા માસે હળવા કરાયા છતાં ઈરાન-અમેરિકી સંબંધોમાંની દરાર ખાસ સંધાઈ શકી નથી. હવે ઈરાન, અમેરિકી ડોલર પરની પોતાની નિર્ભરતા ઓછી કરવા ચાહે છે. ભારતે ઈરાનને એવી હૈયાધારણ આપી છે કે તેને યુરોમાં ચૂકવણીની તજવીજ થઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter