વોશિંગ્ટનઃ અલકાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન ઠાર કરાયો હોવાનો દાવો અમેરિકાના અધિકારીઓએ કર્યો છે. ઓસામા બિન લાદેન બાદ હમઝાને અલ કાયદાનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. જોકે, અમેરિકન મીડિયા દ્વારા હજી સુધી હમઝા ઠાર થયો હોવાની પુષ્ટી કરવામાં નથી આવી. હજી સુધી એ અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી મળી કે તેનું મૃત્યુ ક્યાં અને કેવી રીતે થયું છે?
હમઝાના મૃત્યુ પાછળ અમેરિકાનો હાથ છે કે નહીં તે પણ સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ અમેરિકાના ગુપ્ત અધિકારીઓએ હમઝા ઠાર કરાયો હોવાનો દાવો કર્યો છે. ૨૦૧૫માં લાદેનના પુત્ર હમઝા બિન લાદેને અમેરિકાને ધમકી આપી હતી કે તે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે અમેરિકા પર હુમલો કરશે. ત્યારબાદ અમેરિકાએ તેના પર ૧૦ લાખ ડોલરના ઈનામની જાહેરાત કરી હતી.
પાકિસ્તાનના એબોટાબાદમાં ૨ મે ૨૦૧૧ના રોજ અમેરિકી સીલ કમાન્ડોએ ઓસામા બિન લાદેનને ઠાર કર્યો હતો. પોતાના પિતાની હત્યા થઈ, ત્યારબાદ હમઝા પોતાની માતા એટલે કે ઓસામાની ત્રણ પત્નીઓમાંથી એક ખૈરિયા સબારની સાથે એબોટાબાદમાં રહી રહ્યો હતો. અલકાયદા ચીફ અયમન અલ જવાહિરીએ ૨૦૧૫માં પહેલી વખત તેને દુનિયાની સમક્ષ રૂબરૂ કરાવ્યો હતો. તેણે તે સમયે અમેરિકાને પોતાના પિતાની હત્યાનો બદલો લેવાની ધમકી આપી હતી અને અમેરિકામાં વિનાશ સર્જવાની પ્રતિજ્ઞા લીધી હતી.