બૈજિંગઃ કોરોના વાઇરસે આખી દુનિયાને લપેટામાં લીધી છે, ત્યારે લોકો તેના કાળમુખા પંજાથી બચવા માટે શક્ય હોય એ તમામ પગલાં લઇ રહ્યાં છે. માસ્ક પહેરવા, હેન્ડ સેનિટાઇઝરથી હાથને સતત સાફ કરતા રહેવા અને આસપાસની ચીજોને સેનિટાઇઝ કરતા રહેવું એ તમામ બાબતો હવે રોજિંદા જીવનનો એક ભાગ બની રહી છે.
આ સંજોગોમાં લોકડાઉન ખત્મ થયા બાદ એક સ્થળેથી બીજા સ્થળે જવામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વીસના વાહનોમાં પ્રવાસ કરતી વેળા સંક્રમણની બીક લાગે એવું બની શકે, ત્યારે ચીને હવે એ ડર કાઢી નાંખવા માટે કોરોના સામે બચાવ કરે એવી કાર બજારમાં મૂકી છે! કોરોનાથી માંડીને બેક્ટેરિયા, વાઇરસના સંક્રમણથી બચાવવાના હેતુને ધ્યાનમાં રાખીને આ કારમાં વિશેષ ફીચર અપાયા છે.
એટલું જ નહીં, કારમાં ફિટ કરાયેલી એર કંડિશનર સિસ્ટમ અને વારંવાર જેને સ્પર્શ થતો હોય એવા બટનો અને હેન્ડલોની સપાટીને એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાઇરલ ગુણ ધરાવતી - પર્યાવરણની દૃષ્ટિએ ટકાઉ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવાઇ છે.
ઇન્ટેલિજન્ટ એર પ્યોરિફિકેશન
હેલ્ધી કાર પ્રોજેક્ટ હેઠળ ગિલી નામની કંપનીએ ૫૨૦ લાખ ડોલરની કાર બનાવી છે, જેમાં નવા ફીચર મુસાફરોને વાઇરસ અને બેક્ટેરિયાથી બચાવશે. આ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલી કારમાં જી ક્લીન ઇન્ટેલિજન્ટ એર પ્યોરિફિકેશન સિસ્ટમ તરીકે ઓળખાતી વિશેષ કાર ફિલ્ટ્રેશન સિસ્ટમથી સજ્જ કરી છે. ગિલીના દાવા પ્રમાણે આ પદ્ધતિ મેડિકલ ગ્રેડના માસ્કની જેમ જ કામ કરે છે.
ગિલીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હવે લોકો કાર તો જાણે બીજું ઘર હોય એમ ઘણો સમય તેમાં જ વીતાવતા હોય છે, ત્યારે ગ્રાહકોના જીવન ધોરણને બહેતર બનાવવાના હેતુથી આ આરોગ્યપ્રદ કાર બનાવાઇ છે.
ચાવીની ડિલિવરી ડ્રોન દ્વારા!
ગિલી કંપનીએ આ વિશેષ કાર તેના ગ્રાહકોને પહોંચાડવા માટે પણ આગવી વ્યવસ્થા કરી છે. કંપનીના લોકોનો ઓછામાં ઓછો સ્પર્શ થાય એ માટે ડ્રોન મારફતે કારની ચાવી ગ્રાહકને પહોંચતી કરાય છે. કોન્ટેક્ટલેસ હોમ ડિલિવરી દ્વારા કાર ગ્રાહકને પહોંચાડાય છે.
સ્ટરિલાઇઝડ હવા આપતી કાર
ફ્ક્ત ગિલી જ શું કામ ચીનના અન્ય કાર ઉત્પાદકો પણ કોવિડ-૧૯થી ઉદ્ભવેલી તકનો લાભ લઇને નવી ડિઝાઇન સાથે કાર વિકસિત કરી રહ્યા છે. SAIC નામની કાર કંપની કાર ખરીદનારને અલ્ટ્રાવાયોલેટ લેમ્પ મૂકી આપવાની દરખાસ્ત કરે છે. એ લેમ્પ એર કન્ડિશનરના વેન્ટ સાથે લગાવેલો હોય છે. કંપનીનો દાવો છે કે તેનાથી કારમાં સ્ટરિલાઇઝડ થયેલી હવા કારમાં ફરતી થાય છે.
વાઇરસ, બેક્ટેરિયા સામે રક્ષણ
ગુઆન્ઝોઉ સ્થિત GAC કાર કંપની પણ કોરોના વાઇરસના સંકટને પગલે એવી કાર બનાવી રહી છે કે તેનાથી વાઇરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળે. આ કંપનીએ તેના કાર મોડેલમાં એક ફિલ્ટ્રેન સિસ્ટમ ગોઠવી છે, જેથી વાઇરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળી શકે.
ટેસ્લાની બાયોવેપન્સ ડિફેન્સ મોડવાળી કાર
ચીન સિવાય વિદેશમાં પણ આ અગાઉ આ પ્રકારની સંરક્ષાત્મક કારનું નિર્માણ થઇ ચૂક્યું છે. ૨૦૧૫માં જૈવિક શસ્ત્રથી હુમલો થવાની દહેશત ફેલાતી રહેતી હતી ત્યારે ટેસ્લાએ બાયોવેપન્સ ડિફેન્સ મોડ ધરાવતી કાર બજારમાં મૂકી હતી. એ વખતે ટેસ્લા કંપનીએ દાવો કર્યો હતો કે આ કારની એર ફિલ્ટ્રેશન સિસ્ટમથી બેક્ટેરિયા, વાઇરસ, પોલન સહિતના રજકણો અને વાયુમય પ્રદૂષકોને ૯૯.૯૭ ટકા કારથી દૂર રાખી શકાય છે.
આ ફીચર તો નર્યું તૂત છે!
જોકે કેટલાક વિશ્લેષકો આ પ્રકારના ફીચરને ગિમિક કહે છે, તેમના મતે રોગ અને શ્વસનતંત્રની બીમારી વધી રહી છે ત્યારે પુરવાર નહીં થયેલી ટેક્નોલોજી ઉપર આધાર રાખીને કાર બનાવાતી હોય છે. ચીનના માર્કેટ રિસર્ચ ગ્રૂપના શોઉન રૈન કહે છે કે, કોવિડ-૧૯ના ડરનો લાભ લઇને કંપનીઓ તેમના ઉત્પાદનો અને સર્વિસ ગ્રાહકોને પ્રીમિયમ લઇને વેચી રહી છે. તેઓ ઉમેરે છે કે, હું ડોક્ટર કે વિજ્ઞાની નથી, છતાં કોઇ એવો દાવો કરતું હોય કે ‘અમુક-તમુક કાર કોવિડ-૧૯ જેવા ખાસ વાઇરસના સંક્રમણને રોકે એવી છે’, તો ચેતતા રહેવા હું ગ્રાહકોને કહું છું.
બીજી તરફ, કારઉદ્યોગના વિશ્લેષક વિવેક વૈદ્યના મતે આ નવા ફીચરને દુનિયાભરના કાર ઉત્પાદકો અપનાવી લેશે. કોવિડ-૧૯ વાઇરસ જેમ ચીન પૂરતો મર્યાદિત રહ્યો નથી અને દુનિયામાં ફેલાયો છે એમ આ નવા ફીચર પણ ગ્લોબલ ટ્રેન્ડ કરશે.