બેઈજિંગ: ચીનના શિ જિયાંગમાં સરકાર વિરુદ્ધ શરૂ થયેલા દેખાવો રવિવારે દેશના અનેક શહેરોમાં ફેલાયા હતા. ચીનનાં અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શી જિનપિંગને હટાવો, ચીની કમ્યુનિસ્ટ પાર્ટીને હટાવો, અમને આઝાદી જોઈએ તેવો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. હકીકતમાં દુનિયાના મોટાભાગના દેશોએ કોરોના મહામારી પર નિયંત્રણ મેળવી લીધું છે, તેમજ કોરોના છતાં લોકડાઉન ટાળી રહ્યા છે ત્યારે ચીને હજુ પણ કોરોના મહામારીને ડામવા આકરી ‘ઝીરો કોવિડ નીતિ’ લાગુ કરી છે, જેના હેઠળ અનેક શહેરોમાં લોકડાઉનના કારણે ત્રણ મહિનાથી કેદ પ્રજાએ દેખાવો શરૂ કરી દીધા છે, જે હવે બેકાબૂ બની રહ્યા છે.
શાંઘાઈ ચીનનું સૌથી વધુ વસ્તીવાળું શહેર અને આર્થિક રાજધાની છે. અહીં લોકડાઉનના વિરોધમાં લોકો શનિવારે રાતે વુલુમુકી રોડ પર એકત્ર થયા હતા અને દેખાવો કરવા લાગ્યા. જે રવિવાર સવાર સુધીમાં મોટા વિરોધ પ્રદર્શનમાં ફેરવાઈ ગયા. ત્યાર પછી શાંઘાઈ, નાનજિંગ અને ગુઆંગઝોઉ સહિત અનેક શહેરોમાં દેખાવો થવા લાગ્યા હતા. આ સમયે પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ 300થી વધુ દેખાવકારોની ધરપકડ કરાઈ છે. જો કે દેખાવો ઉગ્ર બનતાં સરકારે લોકડાઉનના નિયંત્રણોમાં આંશિક છૂટ આપવી પડી હતી, જે કામચલાઉ હોવાનું જણાવાયું હતું. આ દેખાવો વચ્ચે ચીનમાં વધુ એક વખત એક જ દિવસમાં એકલા બેઈજિંગમાં 4,307 સહિત કોરોનાના 39,791 નવા કેસ નોંધાયા હતા, જે એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
સોશિયલ મીડિયા પર પ્રસારિત એક વીડિયો મુજબ શાંઘાઈમાં લોકોના ટોળાં સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતાં, ‘શિ જિયાંગથી લોકડાઉન હટાવો’, ‘શિ જિંયાગથી લોકડાઉન હટાવો’, ‘આખા ચીનમાંથી લોકડાઉન હટાવો’, ‘ચીની કમ્યુનિસ્ટ પાર્ટી હટાવો’, ‘શી જિનપિંગને હટાવો’, ‘ઉરુમુકીને મુક્ત કરો’ના નારા લગાવાયા હતા.