લંડન: ઇટાલીના ફ્લોરેન્સમાં સાઇકલ અને ટુ-વ્હીલર વેચતી કંપની પ્રો-બાઇકના માલિક એનરિકો લેપોર હાલ આશ્ચર્યચકિત છે. ૩ મહિના અગાઉ સુધી લગભગ નવરા રહેલા એનરિકો તેમની દુકાનની બહાર સાઇકલ ખરીદનારાઓની ભીડ જોઇને વિશ્વાસ નથી કરી શકતા. તેઓ કહે છે, અમે બે મહિનામાં જ ગત વર્ષની તુલનાએ બમણી સાઇકલો વેચી છે. સ્ટોક ખતમ થઇ ગયો છે. આવી જ સ્થિતિ યુરોપ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, બ્રિટન તથા ડેનમાર્ક જેવા ઘણા દેશોમાં છે. લોકડાઉનમાં સંપૂર્ણ ખાલી રસ્તાએ એવા લોકોને પણ સાઇકલના શોખીન બનાવી દીધા કે જેમને તે પસંદ નહોતી.
સાઇકલની માગ વધી છે અને કાર ચલાવનારા ઘટી રહ્યા છે. ન્યૂ યોર્કમાં બાઇક શેરિંગ સિસ્ટમ ૬૭ ટકા વધી છે. સ્વિટ્ઝરલેન્ડમાં સાઇકલનું વેચાણ ૧૭૧ ટકા જ્યારે ફિલાડેલ્ફિયામાં ૧૫૧ ટકા વધ્યું છે. ટુ-વ્હીલરની વૈશ્વિક રાજધાની ડેનમાર્કમાં સાઇકલનું વેચાણ બેથી ત્રણ ગણું વધ્યું છે. કોપનહેગનમાં ઓમનિયમ બાઇક્સના માલિક જેમ્સ રુબિન જણાવે છે કે, અમે વ્યાપારના અત્યાર સુધીનાં વર્ષોમાં હાલ સૌથી વ્યસ્ત છીએ. અમે એપ્રિલ-મેમાં જ ગત વર્ષના કુલ વેચાણથી બમણી સાઇકલો વેચી ચૂક્યા છીએ.
દુનિયાભરમાં સાઇકલનું વેચાણ વધતાં અને સરકારી નીતિઓથી સાઇકલ ઉદ્યોગને નવજીવન મળ્યું છે. એફટીએસઇ પર આ કંપનીઓના શેરના ભાવ ૨ મહિનામાં ૧૫ ટકાથી વધુ ઊંચા ગયા છે. ત્રણ મહિના અગાઉ સંઘર્ષ કરી રહેલી સાઇકલ ઇન્ડસ્ટ્રીને હવે કદાચ સરકારના આર્થિક પેકેજની પણ જરૂર નહીં પડે.
ઘણા દેશો નવી ટ્રાન્સપોર્ટ પોલિસી બનાવી રહ્યા છે. ઇટાલીમાં સાઇકલની ખરીદકિંમતમાં ૬૦ ટકા સબસિડી આપે છે. ફ્રાન્સ પાર્કિંગ પાછળ ૧૮૮ કરોડ રૂપિયા ખર્ચશે. પેરિસમાં ૬૫૦ કિમીનો ટ્રેક બનશે. બ્રિટન સાઇકલ ઇન્ફ્રા પાછળ ૧૮ હજાર કરોડ ખર્ચશે. અમેરિકાના સિએટલમાં ૩૨ કિમીનો ટ્રેક બન્યો છે. ઇટાલીના બોલોગ્નામાં ૪૯૫ કિમીની સાઇકલ લેન બનશે.