લંડન, કંપાલાઃ યુગાન્ડાના તાજેતરમાં યોજાયેલા ૫૪મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન વડા પ્રધાનના યુગાન્ડા અને રવાન્ડા ખાતેના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટનું સન્માન કરાયું હતું. યુગાન્ડાની સેવા અને યોગદાન બદલ જે ૬૦ મહાનુભાવોનું ‘ઈન્ડિપેન્ડન્સ ડે મેડલ’ એનાયત કરીને બહુમાન કરાયું હતું તેમાં લોર્ડ પોપટ એક હતા.
આ બહુમાન મેળવનારા અન્ય મહાનુભાવોમાં આફ્રિકામાં ઉપપ્રમુખ પદ સંભાળનારા પ્રથમ મહિલા સ્પેસીઓઝા કઝિબ્વે, તાજેતરમાં આફ્રિકાના પ્રથમ નેશન કપ માટે ક્વોલિફાય થયેલી યુગાન્ડાની નેશનલ ફૂટબોલ ટીમ – ધ ક્રેન્સ અને અન્ય લશ્કરી અધિકારીઓ, તબીબી વ્યાવસાયિકો અને ખેલાડીઓનો સમાવેશ થાય છે.
યુગાન્ડાના ક્રૂર સરમુખત્યાર ઈદી અમીને ૧૯૭૨માં લોર્ડ પોપટને ત્યાંથી હાંકી કાઢ્યા હતા અને હાલ તેઓ તે જ દેશ માટે યુકેના વડાપ્રધાનના ટ્રેડ એન્વોય છે. અત્યાચારથી બચવા માટે તે સમયે યુગાન્ડામાંથી હજારો એશિયનો એક પણ પેની લીધા વિના ત્યાંથી ભાગી છૂટ્યા હતા તેમાં લોર્ડ પોપટ પણ એક હતા. લગભગ ૪૫ વર્ષ પછી દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે પ્રમુખ મુસેવેનીએ લોર્ડ પોપટને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં લોર્ડ પોપટે જણાવ્યું હતું કે, ‘આ સન્માન નિઃશંકપણે મારા જીવનની સૌથી અપેક્ષિત ક્ષણો પૈકીની એક છે, કારણ કે યુગાન્ડા મારું જન્મસ્થળ છે. ૪૫ વર્ષ અગાઉ મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે પ્રમુખ પોતે જ મને યુગાન્ડા આવવા આમંત્રણ આપશે અને બ્રિટિશ સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે હું એકલો યુગાન્ડા પરત આવીશ.’
લોર્ડ પોપટે તેમની નવી કામગીરીને પોતાની ‘ડ્રીમ જોબ’ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું, ‘ટ્રેડ એન્વોય પ્રોગ્રામ આફ્રિકા સાથે નિકટતા કેળવવાના લાંબા સમયથી જરૂરી તેવા અભિગમના ભાગરૂપ છે. એક એવો અભિગમ જે ખૂબ સક્રિય, સહાયલક્ષી નહીં પરંતુ વેપાર, તેમજ દયાને બદલે સમૃદ્ધિ માટે રચવામાં આવેલો હોય ’