વોશિંગ્ટનઃ લોસ એન્જલસમાં ૨૨મીએ ગ્રોસરી સ્ટોરમાં માસ્ક પહેરીને ઘૂસી આવેલા બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં ભારતીય મનિન્દરસિંહ સાહી (ઉં ૩૧)નું મૃત્યુ થયું હતું. બે બાળકોના પિતા કરનાલના મનિન્દર છ મહિના પહેલાં જ અમેરિકા ગયા હતાં અને લોસ એન્જેલસમાં સેવન-ઇલેવન ગ્રોસરી સ્ટોર્સમાં નોકરી કરતા હતા. તેમણે યુએસમાં રાજકીય શરણની માગ કરી હતી.
અમેરિકામાં વસતા તેમના પરિજનોએ જણાવ્યું કે, મનિન્દર તેમના પરિવારના એક માત્ર કમાઉ સભ્ય હતાં. તેઓ પત્ની તથા બાળકો માટે તેમના ઘરે નિયમિત નાણા મોકલતા હતાં. પ્રાથમિક તપાસમાં આ હત્યા લૂટના ઇરાદાથી કરવામાં આવી હોવાનું જણાય છે. પોલીસ તપાસમાં જણાયું કે, લૂંટના ઇરાદાથી સેમી ઓટોમેટિક ગન લઇને ઘૂસેલા લૂંટારાએ મનિન્દર સિંહને ગોળી મારી હતી અને ત્યાંથી નાસી ગયા હતાં. પોલીસે શંકાસ્પદ હુમલાખોરની શોધખોળ માટે ફોટો જારી કર્યો છે. હુમલાખોરે પોતાનો ચહેરો આંશિક રીતે ઢાંકેલો હતો. ઘટના વખતે સ્ટોરમાં હાજર બે ગ્રાહકો પણ ઘાયલ થયા છે. શંકાસ્પદ હુમલાખોર અશ્વેત અને પુખ્ત વયની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉંચાઇ અંદાજે પાંચ ફૂટ સાત ઇંચ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પીડિતના ભાઇએ મનિન્દરના મૃતદેહને ભારત મોકલવા માટે ફંડ મેળવવા ગોફંડ વેબપેજ બનાવ્યું હતું. તેના ભાઇએ પેજ પર લખ્યું હતું કે, તે પોતાની પાછળ માતા-પિતા, પત્ની અને બે બાળકોને છોડીને ગયો છે. બાળકોની ઉંમર પાંચ અને નવ વર્ષ છે. હું તેના મૃતદેહને ભારત મોકલવા માટે મદદ માગુ છું.