નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯મી મેથી ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયાના પાંચ દિવસીય વિદેશ પ્રવાસે છે. તેઓ ૨૯મી મેએ ઇન્ડોનેશિયા પહોંચશે. ઇન્ડોનેશિયાથી ૩૧મેના રોજ સિંગાપોર જશે. સિંગાપોરમાં તેઓ ત્રણ દિવસ રોકાશે. જોકે ઇન્ડોનેશિયાથી સિંગાપોર જતી વખતે તેઓ થોડાક સમય માટે મલેશિયા રોકાશે. મલેશિયાના આ રોકાણ દરમિયાન મલેશિયાની નવી સરકારના નેતાઓને અભિનંદન પાઠવશે. ત્રણ દેશોના પ્રવાસ અગાઉ વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારત ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયા સાથે સારા જ સંબધો ધરાવે છે પણ મારા આ ત્રણ દેશોના પ્રવાસથી એક્ટ ઇસ્ટ પોલીસીને વેગ મળશે.
વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇન્ડોનેશિયા અને સિંગાપોરમાં વડા પ્રધાનના સત્તાવાર કાર્યક્રમોમાં દ્વિપક્ષીય મંત્રણા અને ભારતીય સમુદાયના લોકો સાથેની મુલાકાત પણ સામેલ છે. મોદીએ વિદેશ રવાના પહેલા જણાવ્યું હતું કે વડા પ્રધાન તરીકે ઇન્ડોનેશિયાનો આ મારો પ્રથમ પ્રવાસ છે.
૩૦મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના પ્રમુખ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરશે.
ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરીશ. ૩૧ મેના રોજ મોદી સિંગાપોરમાં ઇન્ડિયા-સિંગાપોર એન્ટરપ્રાઇઝ અને ઇનોવેશન એક્ઝિબિશનની મુલાકાત લેશે અને ત્યારબાદ સિંગાપોરની ટોચની કંપનીઓના સીઇઓ સાથે બેઠક કરશે. તેઓ બીજી જૂનના રોજ ભારત પરત ફરશે.