નવી દિલ્હી: નોબેલ પીસ પ્રાઇઝ કમિટીના ડેપ્યુટી લીડર અસલ તોજેએ ભારતની ભરપૂર પ્રશંસા કરી છે. આ સાથે જ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી મજબૂત દાવેદાર ગણાવ્યા છે. અસલ તોજેએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ વિશે સમજાવ્યું હતું, તે એકદમ પ્રશંસનીય છે. તેમણે કોઇ પણ પ્રકારની ધાક-ધમકી આપ્યા વિના જ પરમાણુ યુદ્ધના ગંભીર પરિણામો વિશે સમગ્ર દુનિયાને સમજાવ્યું છે. આપણને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આવા પ્રકારના જ નેતાની જરૂર છે.
અસલ તોજેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના પ્રયાસોની પ્રશંસા કરતા 16 માર્ચે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આ પ્રકારના વધારે હસ્તક્ષેપની જરૂરિયાત છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે કોઇની પણ સાથે ઊંચા અવાજમાં વાત નથી કરી કે ન તો કોઇને ધમકી આપી છે. માત્ર મૈત્રીપૂર્ણ રીતે પોતાની સ્થિતિથી તેમને માહિતગાર કર્યા છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આપણને તેની વધારે જરૂર છે. તોજેએ આના એક દિવસ પહેલાં જ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી નોબેલ શાંતિ પારિતોષિક માટે સૌથી મોટા દાવેદાર છે.
‘ભારતનું મહાશક્તિ બનવું નિશ્વિત’
નોબેલ કમિટીના ડેપ્યુટી લીડર તેમજ વિદેશનીતિના પ્રખર વિદ્વાન અસલ તોજે તાજેતરમાં ભારત પ્રવાસે આવ્યા હતા. તેમણે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, ભારતનું વિશ્વની એક મહાશક્તિ બનવું એકદમ નિશ્ચિત છે. તોજેએ યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ મુદ્દે વાત કરી હતી અને તેમાં પણ મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે સૌથી વિશ્વાસપાત્ર નેતા છે. તેઓ શાંતિની સ્થાપના કરી શકે છે.