નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. વડા પ્રધાન મોદીએ યૂક્રેન સંકટ મુદ્દે ભારતની સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો અને તેનું સમાધાન કાઢવા માટે ડિપ્લોમેટિક રીતો અપનાવવાની વાત કહી હતી. રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડા પ્રધાન મોદી પહેલાં પણ ઘણી વાર રશિયન રાષ્ટ્રપ્રમુખ સાથે ફોન પર વાત કરી ચૂક્યા છે.
બન્ને નેતાઓએ યૂક્રેન સંકટ ઉપરાંત બન્ને દેશોએ દ્વિપક્ષીય વેપાર સહિત અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. તેની સાથે જ પુતિનના ભારત પ્રવાસ દરમિયાન લેવાયેલા નિર્ણયોના અમલીકરણની સમીક્ષા પણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી યૂક્રેન સંકટ મુદ્દે યૂક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે પણ વાત કરી ચૂક્યા છે.
વડા પ્રધાન મોદી પહેલાં જ બન્ને દેશને યુદ્ધનું વાતચીત મારફત સમાધાન શોધવાની અપીલ કરી ચૂક્યા છે. અહેવાલો અનુસાર વડા પ્રધાન મોદીએ વાતચીતમાં રશિયા સાથે ફૂડ સિક્યોરિટી સહિત ઘણાં વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડા પ્રધાન કાર્યાલયના અનુસાર પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપ્રમુખ વચ્ચે કૃષિ પ્રોડક્ટ્સ, ફાર્મ પ્રોડક્ટ્સ, અને રાસાયણિક ખાતરો અંગે પણ ચર્ચા થઈ હતી. બન્ને દેશોએ આંતરરાષ્ટ્રીય ઊર્જા અને ફૂડ માર્કેટની વર્તમાન સ્થિતિ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પુતિન ડિસેમ્બર 2021માં ભારત પ્રવાસે આવ્યા હતા. તે પ્રવાસ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે 2+2 પ્રધાનસ્તરીય મંત્રણા થઈ હતી. બન્ને દેશો વચ્ચે સદીઓથી ચાલ્યા આવતા સંબંધોને મજબૂત કરવા માટે આ મંત્રણામાં ઘણાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. તેના અનુસંધાનમાં બંને નેતાઓ વચ્ચે વિગતે ચર્ચા કરાયાના અહેવાલ છે.