વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોલીશ પ્રાઈમ મિનિસ્ટર ડોનાલ્ડ ટસ્કના આમંત્રણને માન આપી ઓગસ્ટ 21-22મીએ પોલેન્ડની સત્તાવાર મુલાકાત લેવાના હોવાની જાહેરાત ભારતના વિદેશ મંત્રાલયે કરી છે. યુરોપિયન યુનિયન સાથે સંબંધો મજબૂત બનાવવાના હેતુસર વડા પ્રધાન મોદી યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાત લેવાના હોવાની જાહેરાતના પગલે નવું નિવેદન આવ્યું છે. ગયા મહિને મોદી મોસ્કો ખાતે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા અને વિદેશ મંત્રાલયે યુક્રેન સંઘર્ષ મુદ્દે ભારતની પોઝિશનનો પુનરુચ્ચાર કર્યો હતો.
તાજેતરમાં યુક્રેનસ્થિત ભારતીય ડાયસ્પોરાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયા વિરુદ્ધ યુદ્ધમાં માનવતાવાદી પ્રતિભાવ આપવા અનુરોધ કર્યો હતો. લેખિત અપીલમાં જણાવાયું હતું કે,‘માનવતાના આ સૌથી કાળા સમયમાં અમે આપ નામદારને અપીલ કરીએ છીએ કે આ ઘૃણાસ્પદ પરિસ્થિતિમાં ભારત દ્વારા યોગ્ય માનવતાવાદી પ્રતિભાવ આપવામાં આવે. રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિપ્રયાસોમાં આપના સમર્થનની આદરપૂર્વક વિનંતી કરીએ છીએ. આપની નેતાગીરી અને હસ્તક્ષેપ સૌથી યોગ્ય પદ્ધતિએ ઉકેલ લાવવામાં અને શાંતિના પુનઃસ્થાપનમાં નોંધપાત્ર યોગદાન આપી શકશે અને તેના થકી માનવતાવાદી અને લોકશાહી મૂલ્યો પ્રતિ ભારતની પ્રતિબદ્ધતા પ્રકાશિત થશે.’ વડા પ્રધાન મોદીની યુક્રેન મુલાકાત 1982 પછી ભારતીય વડા પ્રધાન દ્વારા પ્રથમ મુલાકાત હશે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વાતચીત કરતા શારદા ગ્રૂપ ઓફ કંપનીઝના સીઈઓ અને મેનેજિંગ પાર્ટનર તેમજ ઈન્ડો-પોલીશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ અમિત લાથે જણાવ્યું હતું કે, ‘આ મુલાકાત ભારત-પોલેન્ડ સંબંધો મજબૂત બનાવવામાં ઐતિહાસિક માઈલસ્ટોન બની રહેશે. પોલીશ અને ભારતીય નેતાઓના પ્રવાસો અગાઉ પણ યોજાયા છે પરંતુ, 1979 પછી ભારતીય વડા પ્રધાન દ્વારા પોલેન્ડનો આ પ્રથમ પ્રવાસ છે. પોલેન્ડનું કેન્દ્રસ્થાન અને યુરોપના સૌથી મોટાં છ અર્થતંત્રોમાં એકનો દરજ્જો તેને ભારત માટે ચાવીરૂપ પાર્ટનર બનાવશે. આ જ રીતે, ભારત પણ મધ્યમ વર્ગના 600 મિલિયન વપરાશકારો સાથે પોલેન્ડને વિશાળ બજારની ઓફર કરે છે.’
અમિત લાથે વડા પ્રધાન મોદીની મુલાકાતથી ભારતીય ડાયસ્પોરા પર થનારી અસર વિશે જણાવ્યું હતું કે, ‘ભારતીય ડાયસ્પોરા ઘણા વર્ષો પછી આવેલી વડા પ્રધાન મોદીની મુલાકાત બાબતે ભારે રોમાંચ અને ઉત્સાહ અનુભવે છે. તે ભારતીય કોમ્યુનિટીમાં પોલેન્ડના દરજ્જાને વધારશે. બંને સરકારો સહકારના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેનાથી દેશો અને વિસ્તારો વચ્ચે મજબૂત ભાગીદારીનો માર્ગ મોકળો બનશે. આ મુલાકાત ભારત-યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટોના વ્યાપક સંદર્ભમાં પણ મહત્ત્વ ધરાવે છે. ભારત અને પોલેન્ડ જેવા યુરોપીય દેશ વચ્ચે સંબંધો મજબૂત બનવા સાથે FTA માટે સાનુકૂળ વાતાવરણ સર્જાશે જે બંને પક્ષો માટે મહત્ત્વપૂર્ણ છે.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘યુરોપ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત સાથે ઘનિષ્ઠ આર્થિક સંબંધોથી તેને ભારે લાભ મળશે. રશિયાનું પરંપરાગત બજાર બંધ છે અને ચીન દ્વારા મુશ્કેલીઓ વધી રહી છે અને યુએસએ આગવી રણનીતિઓ અપનાવી રહ્યું છે ત્યારે યુરોપ માટે ભારત કુદરતી અને મૂલ્યવાન બજાર તરીકે ઉભરી રહ્યું છે. ખાસ કરીને પોલેન્ડ આ ઉભરતા સંબંધોથી લાભ મેળવી શકશે.’
ભારત-પોલેન્ડ સંબંધો વિશે વાત કરતા તેમણે યુક્રેન યુદ્ધના પ્રારંભિક તબક્કામાં પોલેન્ડની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓના સ્થળાંતરમાં મદદ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘આ વિદ્યાર્થીઓને વિઝા વિના જ અને ઘણા કિસ્સામાં વિદ્યાર્થીઓના પાસપોર્ટ પણ ગુમ થયેલા હતા ત્યારે સરહદ પાર કરવા દેવા બદલ આપણે પોલેન્ડના ઘણા આભારી છીએ. પોલેન્ડ દ્વારા આ મદદ બંને દેશો વચ્ચે મજબૂત બંધનોની સાબિતી છે. આ ઉપરાંત, આ સહકાર દ્વિતીય વિશ્વ યુદ્ધમાં સંઘર્ષથી નાસી છૂટેલા હજારો પોલીશ બાળકો અને સ્ત્રીઓને જામનગર અને કોલ્હાપૂરના મહારાજાઓએ આશરો આપ્યો હતો તે ઈતિહાસની યાદ અપાવે છે. ભારતીય મહારાજાઓની ઉદારતા ભારત અને પોલેન્ડ વચ્ચે ટકાઉ સંબંધોનું પ્રતીક બની રહી છે. બંને દેશોએ જરૂરિયાતના સમયમાં નોંધપાત્ર એકતા દર્શાવી છે અને આપણા નાગરિકો તરફ સપોર્ટ અને પારસ્પરિક સારસંભાળ માટે તેમના આભારી છીએ.’ ભારતીય ડાયસ્પોરાની સાથે પોલીશ લોકોમાં પણ આ મુલાકાત અને ભારતીય ભાગીદારી બાબતે ભારે ઉત્સાહ છે.