યાંગોનઃ વડા પ્રધાને છેલ્લા મોગલ બાદશાહ બહાદૂર શાહ ઝફરની મજાર અને ૨૫૦૦ વર્ષ જૂના શ્વેડાગોન પેગોડાની મુલાકાત ઉપરાંત કાલીબારી મંદિરમાં પૂજા કરી મ્યાનમારનો પ્રવાસ સાતમી સપ્ટેમ્બરે પૂરો કર્યો હતો અને સ્વદેશ રવાના થયા હતા. મ્યાનમારની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા વડા પ્રધાન મોદીની બૌદ્ધ દેશની આ પ્રથમ મુલાકાત હતી. છેલ્લા દિવસે તેમણે સાંસ્કૃતિક વારસા સમાન પેગોડાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે બોધિવૃક્ષનું વૃક્ષારોપણ કર્યું હતું. શ્વેડાગોન પેગોડાની મુલાકાતથી આનંદ થયાનું તેમણે જણાવ્યું હતું.
શ્વેડાગોન પેગોડા સેંકડો સુવર્ણ વરખથી મઢેલું છે અને સ્તૂપના શિખરમાં ૪૫૩૧ હીરો જડેલા છે. જેમાં સૌથી મોટો હીરો ૭૨ કેરેટનો છે. વડા પ્રધાને બોગ્વોક આંગ સાન મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી. તેમની સાથે મ્યાંમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સુ કી પણ હતા. મોદીએ તેમનો આભાર માન્યો હતો. વડા પ્રધાને છેલ્લા મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફરની મજારની મુલાકાત લઇ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગની તસવીર તેમણે ટ્વિટર પર મૂકી હતી. બહાદુર શાહ ઝફર એક સારો ઉર્દૂ કવિ અને લહિયો હતો તે રંગૂનમાં ૮૭ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો હતો. બ્રિટીશરોએ તેને દેશનિકાલ કરી રંગૂન મોકલ્યો હતો.