કૈરોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઇજિપ્તમાં સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ'થી સન્માનિત કરાયા છે. ભારતીય વડા પ્રધાનની બે દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન ઇજિપ્તની કેબિનેટમાં ઇન્ડિયા યુનિટ બનાવવાની ઇજિપ્ત દેશ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બન્ને દેશ વચ્ચે રૂ. 60 હજાર કરોડનો વેપાર છે. 50 ભારતીય કંપનીએ ઇજિપ્તમાં રૂ. 25 હજાર કરોડનું રોકાણ કર્યું છે.
ઇજિપ્તની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ હેલિયોપોલિસ યુદ્ધ કબ્રસ્તાનમાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમજ મોદીએ અલ-હકીમ મસ્જિદની મુલાકાતે પણ ગયા હતા. 11મી સદીની આ મસ્જિદ ભારત-ઇજિપ્તની સંયુક્ત સમૃદ્ધિના વારસાનું પ્રતીક છે. ભારતના દાઉદી વોહરા સમાજે મસ્જિદનો જિર્ણોદ્ધાર કરાવ્યો છે તે નોંધનીય છે.
26 વર્ષમાં પ્રથમ ભારતીય વડા પ્રધાન
અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇજિપ્ત પહોંચ્યા હતા. ઇજિપ્તના રાષ્ટ્રપતિ એલ સિસિના આમંત્રણ પર બે દિવસના ઇજિપ્ત પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે વડા પ્રધાન મોસ્તફા માડબોલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લાં 26 વર્ષમાં નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન છે, જેઓ ઇજિપ્તની મુલાકાત માટે ગયા છે.
ઇજિપ્તના રાષ્ટ્રપતિ પણ આગામી સપ્ટેમ્બર મહિનામાં ભારતની મુલાકાત માટે આવવાના છે. જી-20 સમિટમાં તેમને ભારતે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે. કૈરોની હોટેલમાં પ્રધાનમંત્રી મોદીનું ભારતીય સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીનું આગમન થતાં ત્યાં હાજર એક ઇજિપ્તની મહિલાએ ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’ ગીત ગાયું હતું. મોદીએ શાંતિથી આ મહિલાએ ગાયેલા ગીતને સાંભળ્યું હતું.
ચાર કરાર પર હસ્તાક્ષર
પ્રધાનમંત્રી મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેશ ફત્તાહ અલ સીસીએ બંને દેશ વચ્ચેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીના ઇજિપ્ત પ્રવાસ દરમિયાન વ્યૂહાત્મક ભાગીદારી અને 4 મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર, સ્મારકોની સુરક્ષા અને જાળવણી અંગે પણ એમઓયુ થયા હતા.