નવીદિલ્હીઃ ભારતના રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાને હાંસલ કરેલી ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિ પ્રસંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’), ભૂતાન અને શ્રીલંકાએ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. તો વિશ્વના અન્ય દેશોએ પણ ભારતની આ સિદ્ધિને બિરદાવી છે.
‘હૂ’ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના વૈજ્ઞાાનિકો, હેલ્થ વર્કર્સ અને નાગરિકોને કોરોનાથી લોકોનું રક્ષણ કરવાના પ્રયાસ અને ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભૂતાનના વડા પ્રધાન ડો. લોતાય શેરિંગે જણાવ્યું હતું કે, આ સિદ્ધિ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ વિશ્વ માટે પણ ઘણી જ મહત્ત્વની છે. ભૂતાનના લોકો તરફથી હું ભારતને અભિનંદન પાઠવું છું.
શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજાપક્સેએ વડા પ્રધાન મોદી, મેડિકલ કોમ્યુનિટી અને કોરોના વોરિયર્સને આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે ટ્વિટમાં જણાવ્યું કે, કોરોના મહામારી વચ્ચે નવી સામાન્ય સ્થિતિ સાથે તાલ મિલાવીને આગળ વધવું એ રસીકરણ અભિયાનની સફળતા પર નિર્ભર છે. ભારતે આ સિદ્ધિ મેળવીને અસાધારણ સીમાચિહ્ન સર કર્યું છે.