નવી દિલ્હી: રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે જુલાઈમાં બેઠક કર્યાના છ સપ્તાહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે યુદ્ધગ્રસ્ત યૂક્રેનની મુલાકાત લીધી હતી. ભારત અને યૂક્રેનના વડાઓની બેઠક પર સમગ્ર દુનિયાની નજર હતી. આ મુલાકાતની અમેરિકા, રશિયા, ચીન સહિતના આંતરરાષ્ટ્રીય મીડિયાએ ખૂબ જ ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જુલાઈએ રશિયાની મુલાકાત સમયે મોસ્કોમાં રશિયન પ્રમુખ પુતિનને ગળે મળ્યા હતા, જેની યૂક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આકરી ટીકા કરી હતી. જોકે, તેના બરાબર 44 દિવસ પછી પીએમ મોદી યૂક્રેનના પ્રવાસમાં ઝેલેન્સ્કીને પણ ગળે મળ્યા હતા.
• ન્યૂયોર્ક ટાઈમ્સે વડાપ્રધાન મોદીની વિદેશ નીતિની પ્રશંસા કરી હતી. અખબારે ‘ભારતીય નેતાનો કીવ પ્રવાસ: યૂક્રેન કુટનીતિની દિશામાં એક પગલું’ મથાળા હેઠળ લખ્યું કે, પીએમ મોદી રશિયા અને યૂક્રેન બંને સાથે તેમના સંબંધોને સાવધાનીપૂર્વક સંભાળી રહ્યા છે. ભારતીય નેતાનો કીવ પ્રવાસ યૂક્રેન કુટનીતિની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
• ટીવી ચેનલ સીએનએને જણાવ્યું કે ભારત યુદ્ધવિરામની સતત અપીલ કરી રહ્યું છે પણ તેણે હજુ સુધી રશિયાની ટીકા કરવાનું ટાળ્યું છે. ભારત રશિયાના અર્થતંત્ર માટે લાઈફલાઈનનું કામ કરી રહ્યું છે અને રશિયાથી ક્રૂડની ભારે આયાત કરી રહ્યું છે. સીએનએનના રિપોર્ટમાં મોદીના એ નિવેદનનો પણ ઉલ્લેખ હતો કે કોઈ પણ સમસ્યા યુદ્ધના મેદાનમાં ન ઉકેલાઈ શકે.
• બ્રિટિશ મીડિયા હાઉસ બીબીસીએ લખ્યું હતું, વડાપ્રધાન મોદીનો પ્રવાસ હકીકતમાં કૂટનીતિક સંતુલનનું પરીક્ષણ છે. ભારતીય વડાપ્રધાનનો આ પ્રવાસ પુતિન સાથેની એ બેઠક પછી થઈ રહ્યો છે, જેની પશ્ચિમના દેશોએ ટીકા કરી હતી. આ પ્રવાસ પશ્ચિમના દેશોને શાંત કરવાનો મોદીનો પ્રયત્ન હોઈ શકે છે.
• બ્રિટનના અખબાર ધ ગાર્ડીયને પીએમ મોદીના યૂક્રેન પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેણે લખ્યું, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યૂક્રેનની સ્વતંત્રતા પછી પહેલી વખત દેશનો પ્રવાસ કર્યો. સોવિયેત સંઘમાંથી 1991માંથી આઝાદ થયા પછી કોઈ પણ ભારતીય નેતાનો આ પહેલો પ્રવાસ છે.
• જાપાનના અખબાર નિક્કેઈ એશિયાએ લખ્યું, પશ્ચિમના દબાણ છતાં ભારતે યૂક્રેન પર આક્રમણ માટે પારંપરિક સહયોગી અને હથિયારો પૂરા પાડનારા રશિયાની સ્પષ્ટરૂપે ટીકા કરી નથી. અખબારે વધુમાં લખ્યું હતું કે આના બદલે ભારતે વારંવાર રશિયા-યૂક્રેનને પરસ્પર વાતચીત અને કૂટનીતિ મારફત યુદ્ધનો અંત લાવવા પર ભાર મૂક્યો છે.
• ફ્રાન્સના અખબાર લે મોન્ડેએ લખ્યું, ઝેલેન્સ્કીએ મોદીના પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે, પરંતુ કોઈપણ પક્ષે સંઘર્ષ ખતમ કરવા અંગે કોઈ પહેલ કરી નથી.
• રશિયાના અખબાર મોસ્કો ટાઈમ્સે આ પ્રવાસની ટીકા કરી હતી. અખબારે લખ્યું, પીએમ મોદીનો પ્રવાસ યૂક્રેનના સમર્થનને સંકેત રૂપે જોઈ શકાય છે, પરંતુ તેને પશ્ચિમી દેશોના પ્રતિબંધ છતાં ભારત સાથે રશિયાના વેપાર અને સંબંધોના સંદર્ભમાં પણ જોવો જોઈએ.