ન્યૂ યોર્કઃ અમેરિકાના મિસિસિપી રાજ્યમાં લૂંટારુઓએ ૨૧ વર્ષના ભારતીય યુવાન સંદીપ સિંહની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. હજુ તો થોડા દિવસો પહેલા જ એક ભારતીય વિદ્યાર્થીને પણ ચાર શસ્ત્ર લૂંટારુઓએ મારી નાંખ્યો હતો. મિસિસિપીના જેકસનમાં ૨૬મી નવેમ્બરે લૂંટારુઓએ સંદીપ સિંહને પેટમાં ગોળી મારી હતી, એમ પોલીસે કહ્યું હતું. ઘાતક ગોળીબાર કરી લૂંટ ચલાવનાર એક ટોળકી આ હત્યા માટે જવાબદાર હોઇ શકે એમ પોલીસ માને છે.
સિંહ અને બે અન્ય લોકો જ્યારે તેમના ઘરની બહાર ઊભા હતા ત્યારે એક શસ્ત્ર અને બુકાનીધારી યુવાન તેમના તરફ આવ્યો હતો અને ગોળીઓ મારી હતી. ત્યાર પછી અન્ય લૂંટારુઓએ માર્યા ગયેલા સિંહના ખિસ્સામાંથી સેલફોન અને પૈસા કાઢી લીધા હતા. ભાગતા ભાગતા લૂંટારુઓએ ગોળીબાર કર્યો હતો જેમાં સંદીપ સિંહ ઘાયલ થયો હતો. સિંહને યુનિ. ઓફ મિસિસિપી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સિંહની હત્યા આ શહેરમાં ચાલુ વર્ષે ૫૮મી લૂંટ વિથ મર્ડર હતી. સંદિપ સિંહ આશરે ચાર વર્ષ પહેલા ટુરિસ્ટ વિઝા પર અમેરિકા આવ્યો હતો અને ત્યાર પછી એણે વર્ક વિઝા મેળવી લીધા હતા.