દુબઈઃ એક તરફ ભારતમાં ઉનાળાની શરૂઆત છે ત્યારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં પણ ઉનાળો બેસી ગયો છે અને ગરમી પડી રહી છે ત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ૧૦મી માર્ચે સવારથી જોરદાર વરસાદ અને આશરે ૧૦૦ કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવનને કારણે જનજીવન એકદમ ખોરવાઈ ગયું હતું. રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં લોકોની હાલાકીનો પાર નહોતો રહ્યો. UAEમાં અલ શુહેબમાં ૨૪૦ મિલીમીટર એટલે કે આશરે ૧૦ ઇંચ વરસાદ નોંધાયાનું જાણવા મળે છે. જ્યારે અલ એઇનમાં ત્રણ ઇંચ વરસાદની નોંધ થઈ છે. હજી પણ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે.
અહીંના રણવિસ્તારમાં અનેક ફાર્મહાઉસ આવેલા છે તે પણ જળબંબાકાર થઈ ગયા છે. દુબઈમાં જેબેલ અલી ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર, અબુધાબી જતાં શેખ ઝાયેદ રોડ, મીડિયા સિટી, નોલેજ સિટી સહિતના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. કેપિટલ સિટી અબુધાબીમાં પણ પાણી ભરાઈ જતાં સ્કૂલને બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
સાઉદી અરબના ફુજિરાહમાં ૧૦મી માર્ચે કરા પડ્યા હતા અને વરસાદ તથા કરા પડવાની સૌથી વધારે અસર અલ એઇનમાં થઈ હતી. ૧૦મી માર્ચે સવારે છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં દુબઈના ઇમર્જન્સી કન્ટ્રોલને ૩૨૦૦ કોલ આવ્યા હતા. આ સમય દરમિયાન ૨૫૩ રોડ-એક્સિડન્ટ નોંધાયા હતા. દુબઈ અને અબુધાબીને જોડતા શેખ ઝાયેદ રોડ પર પાણી ભરાતાં ત્યાંથી મોટરિસ્ટોને નહીં જવા માટે સૂચના અપાઈ હતી.
UAEમાં ગટરવ્યવસ્થા સારી છે, પણ વરસાદનું પાણી વહી જાય એવી કોઈ યોજના ન હોવાથી વરસાદનું પાણી રસ્તા પર જ ફેલાઈ ગયું હતું અને જનજીવન ખોરંભે ચડી ગયું હતું.