અયોધ્યાઃ શ્રીરામ મંદિરનો શિલાન્યાસ સમગ્ર વર્લ્ડ મીડિયામાં છવાયેલો રહ્યો. સીએનએન, ધ ગાર્ડિયન, બીબીસી, અલ ઝઝીરા અને ડોન જેવા મીડિયાએ રામમંદિર શિલાન્યાસનાં સમાચારને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. સીએનએને લખ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસની મહામારી છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર નિર્માણનું ભૂમિપૂજન કર્યું. તો પાકિસ્તાનનાં અખબાર ધ ડોનમાં લખવામાં આવ્યું કે, રામ મંદિરનો શિલાન્યાસ ભારતમાં બદલાઈ રહેલા સંવિધાનનો શિલાન્યાસ છે.
રોજના ૫૦ હજાર કેસ છતાં કાર્યક્રમઃ સીએનએન
અમેરિકાની સીએનએન ન્યૂસ ચેનલે જણાવ્યું કે રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ સ્થળ વર્ષોથી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદનો મુદ્દો રહ્યો છે. બુધવારનાં રોજ ભૂમિપૂજનનો કાર્યક્રમ એવા સમયે કરવામાં આવ્યો, જ્યારે છેલ્લા પાંચ દિવસથી સતત કોરોનાના કેસ ૫૦ હજારથી વધુ નોંધવામાં આવી રહ્યાં છે.
અયોધ્યામાં ત્રણ મહિના પહેલાં દિવાળી: ધ ગાર્ડિયન
બ્રિટનના અખબાર ધ ગાર્ડિયન દ્વારા લખવામાં આવ્યું કે, અયોધ્યામાં દિવાળી ત્રણ મહિના પહેલાં આવી ગઈ. અયોધ્યામાં રામમંદિરની આધારશિલા રાખવામાં આવી છે. દસકાઓથી આ ભારતીય ઇતિહાસનો સૌથી ભાવાત્મક અને વિભાજનકારી મુદ્દો રહ્યો છે.
નવા પ્રકારના ભારતીય સંવિધાનનો શિલાન્યાસ: ધ ડોન
પાકિસ્તાનનાં મીડિયા હાઉસ ધ ડોને લખ્યું કેઃ બાબરી મસ્જિદની જગ્યા પર હિન્દુ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. તે જગ્યા પર આશરે ૫૦૦ વર્ષોથી બાબરી મસ્જિદ હતી. આ સેક્યુલર ભારતને હિન્દુ રાષ્ટ્રમાં બદલવા તરફ પગલું માંડવામાં આવ્યું છે. આ ઘટના દર્શાવે છે કે, ભારતનું મૂળભૂત બંધારણીય માળખું બદલાઈ રહ્યું છે.
સેક્યુલર વિચારધારા સાથે ચેડાંઃ અલઝઝીરા
અખાતી દેશોની પ્રમુખ મીડિયા હાઉસ અલઝઝીરાએ લખ્યું કે, મંદિર મસ્જિદની જગ્યા પર બનાવવામાં આવી રહ્યું છે. ભારતની સેક્યુલર વિચારધારા સાથે ચેડાં કરવામાં આવ્યા છે. ભારતની સત્તા પ્રાપ્ત હિન્દુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીેએ ૧૯૮૦નાં દાયકામાં મંદિર આંદોલનનો પાયો નાંખ્યો હતો.
શિલાન્યાસથી હિન્દુઓ ખુશ: એબીસી ન્યૂઝ
એબીસી ન્યૂઝે તેની વેબસાઇટ પર લખ્યું કે, કોરોના વાઇરસ જેવી મહામારીને લીધે મોટી ભીડ એકત્ર નહોતી થઈ, પણ ભારતનાં હિન્દુઓ ખુશ છે. વડા પ્રધાન મોદીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું. જ્યાં પહેલાં કથિત મસ્જિદ હતી. રામમંદિરનાં નિર્માણમાં ત્રણથી સાડા ત્રણ વર્ષ લાગશે.
કોર્ટનાં ચુકાદા બાદ રામ મંદિર નિર્માણ: બીબીસી
વડા પ્રધાન મોદીએ મંદિરનું ભૂમિપૂજન કર્યું. ૧૯૯૨ સુધી ત્યાં મસ્જિદ હતી. જેને લોકોનાં ટોળાંએ તોડી પાડી હતી. એવો દાવો કરવામાં આવે છે કે ત્યાં મસ્જિદ પહેલાં મંદિર હતું. ગત વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા બાદ રામ મંદિર નિર્માણ શક્ય બન્યું છે.