રશિયન સૈન્યએ યુક્રેન પર 24 ફેબ્રુઆરીએ કરેલા આક્રમણ બાદ લાખો લોકો વિસ્થાપિત થયા. હજારોએ જીવ ગુમાવ્યો. અને ઘણી ઇમારતો તબાહ થઇ. ત્યાંના લોકોએ પોતાનું શહેર છોડવું પડ્યું. તેમના ભોજનની વ્યવસ્થા માટે અમેરિકાના વોશિંગ્ટન શહેરની સંસ્થા વર્લ્ડ સેન્ટ્રલ કિચનની ટીમ આગળ આવી. તેણે રોજ 17 લાખ લોકો સુધી ભોજન પહોંચાડવાની જવાબદારી ઊઠાવી. અત્યાર સુધીમાં વર્લ્ડ સેન્ટ્રલ કિચન 10 કરોડ લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડી ચૂક્યું છે. ફૂડ ટ્રક દ્વારા લોકોને જલદી તાજું ભોજન મોકલાય છે. આ સિલસિલો સતત જારી છે. આ સંસ્થા માત્ર ભૂખ્યાજનોની જ ક્ષુધા સંતોષે છે એવું નથી, પાલતુ પ્રાણીઓની ભૂખ પણ સંતોષે છે.
8 વિસ્તારોમાં ભોજન વિતરણ કેમ્પ
રશિયાના આક્રમણ બાદ મોટા ભાગના શરણાર્થી પોલેન્ડ નાસી ગયા હતા. આથી વર્લ્ડ સેન્ટ્રલ કિચનની ટીમ ગણતરીના કલાકોમાં જ પોલેન્ડ-યુક્રેન બોર્ડર પરના મેદિકા ગામે પહોંચી. અઠવાડિયાથી ઓછા સમયમાં પોલેન્ડના તમામ 8 સરહદી વિસ્તારમાં ભોજન વિતરણ કેમ્પ શરૂ કર્યા. શરણાર્થીઓ માટે ગરમ સૂપ, ચા-કોફીની સેવા પણ આપી. સ્થાનિક લોકો સાથે મળીને સંસ્થાએ એકલા પોલેન્ડમાં 1.15 કરોડ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી.
હૈતીના ભૂકંપ બાદ સંસ્થાની સ્થાપના
વર્લ્ડ સેન્ટ્રલ કિચનના સંસ્થાપક અને શેફ જોસ એન્ડ્રેસનું કહેવું છે કે 2010માં હૈતીમાં આવેલા ભૂકંપ બાદ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. બસ, ત્યારથી આ સંસ્થા દુનિયાભરમાં કોઇ પણ દેશ પર સંકટ સર્જાય છે ત્યારે દરેક સમુદાયની સેવા કરે છે. યુક્રેનમાં વર્લ્ડ સેન્ટ્રલ કિચનના સભ્યો વેન અને ટ્રેન દ્વારા શરણાર્થી શિબિરો સુધી પૌષ્ટિક ભોજન તથા જીવનજરૂરિયાતની અન્ય સામગ્રી પહોંચાડવામાં મદદ કરે છે.
વર્લ્ડ સેન્ટ્રલ કિચનની વિશેષતા
• 4,300 બહાદુર ફૂડ ફાઇટર્સ દરરોજ કામ કરે છે. • 17 લાખ લોકો સુધી દરરોજ ભોજન પહોંચાડાય છે. • 500થી વધુ ખાણીપીણી સુવિધા સંચાલિત કરાય છે. • રાહત ટુકડી જરૂર પડ્યે પાલતુ પ્રાણીઓ માટે પણ ભોજન પહોંચાડે છે. • મદદ કરનારા તમામ લોકો શેલ્ટર હોમમાં જ સૂઇ જાય છે.