વર્ષોની દુશ્મની ભૂલી ઇઝરાયલ - યુએઇ વચ્ચે શાંતિકરાર

Tuesday 18th August 2020 17:12 EDT
 

તેલ અવીવઃ ઇઝરાયલ અને યુએઇએ વર્ષોથી ચાલતી દુશ્મની ભૂલીને ૧૩મીએ ઐતિહાસિક શાંતિકરાર પર સહી-સિક્કા કર્યાં છે. કરારમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ કરાર બાદ બંને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની નવી શરૂઆત પણ થશે. વ્હાઇટ હાઉસ દ્વારા જણાવાયું કે, કરારના પગલે ઇઝરાયલે વેસ્ટ બેંક વિસ્તાર પર કબજાનો વિચાર પડતો મૂક્યો છે. ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અને ટ્રમ્પ વચ્ચે ૧૩મીએ ફોન પર ચર્ચા બાદ કરારને મંજૂરી અપાઇ હતી. ઇઝરાયલ અને યુએઇના પ્રતિનિધિમંડળ આવનારા દિવસોમાં રોકાણ, પર્યટન, તેલ અવીવ-અબુધાબી વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ, સુરક્ષા, ટેલિકોમ સહિતના મુદ્દે દ્વિપક્ષી સમજૂતીઓ પર સહી-સિક્કા કરશે. ટૂંક સમયમાં રાજદૂતો અને દૂતાવાસોના આદાન-પ્રદાનની પણ આશા રખાઇ રહી છે. ઇઝરાયલ અને યુએઇ કોરોનાની રસી માટે પણ સાથે મળીને કામ કરશે.

શાંતિકરારની શું અસર થશે?

આ ઐતિહાસિક શાંતિકરારથી દુનિયાભરના મુસ્લિમ દેશોમાં ઇઝરાયલની સ્વીકાર્યતા વધવા ઉપરાંત તેની સુરક્ષા અને સ્થિરતાને પણ લાભ થશે. ઇઝરાયલ મધ્ય-પૂર્વના દેશો સાથે સંબંધો સુધારવા લાંબા સમયથી કાર્યરત હતું. આ કરારથી ઇરાન, ચીન અને પાકિસ્તાનને મોટો ઝાટકો લાગી શકે છે. કેમ કે ઇરાન અને પાકિસ્તાને ઇઝરાયલને માન્યતા આપી નથી અને તેની સાથે રાજદ્વારી સંબંધો પણ નથી રાખ્યા જ્યારે ચીનની મધ્ય-પૂર્વના દેશોમાં મજબૂત થઇ રહેલી પકડને મોટો ફટકો પડ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter