લોસ એન્જેલઃ લોસ એન્જેલસના ડોલ્બી થિએટરમાં તાજેતરમાં ૯૧મો ઓસ્કર એવોર્ડ સમારોહ યોજાયો હતો. ૯૧મા ઓસ્કર એવોર્ડમાં ભારતના ફાળે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે એકથી વધુ સન્માન આવ્યા હતા. બેસ્ટ ફિલ્મનો ઓસ્કર તો અશ્વેત પિયાનિસ્ટ અને તેમના શ્વેત સાથીદારની કોમેડી રજૂ કરતી ફિલ્મ ‘ગ્રીન બુક’ને મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતમાં બનેલી શોર્ટ ફિલ્મ ‘પિરિયડઃ એન્ડ ઓફ સેન્ટેન્સ’ને બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
ઓસ્કરની ૨૪ પૈકી બે કેટેગરી શોર્ટ ફિલ્મ માટે હોય છે. એમાંનો એક એવોર્ડ આ ફિલ્મને મળ્યો હતો. ભારતને બરાબર દસ વર્ષ પહેલા ૨૦૦૯માં ‘સ્લમડોગ મિલિયોનેર’ માટે પણ ઓસ્કર એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
સેનેટરી પેડ પરની ‘પિરિયડઃ એન્ડ ઓફ સેન્ટેન્સ’
‘પિરિયડઃ એન્ડ ઓફ સેન્ટેન્સ’માં ઉત્તર પ્રદેશના કાઠીખેરા ગામની કહાની છે. આ ગામની મહિલાઓ સેનેટરી પેડ ન મળવાથી માસિકધર્મ દરમિયાન મુશ્કેલી અનુભવે છે. એ પછી એક યુવતી આગેવાની લઈને ગામમાં જ સેનેટરી પેડ ઉત્પાદનની વ્યવસ્થા ગોઠવે છે. આ વ્યવસ્થા ગોઠવાયા પછી મહિલાઓની તબિયત બગડતી અટકે છે અને તેમને કમાણીનું સાધન પણ મળે છે. કઠીખેરામાં આ કામ કરતી યુવતી સ્નેહ પણ ઓસ્કર સમારોહ માટે અમેરિકા ગઈ હતી. વાર્તા ભારતની છે, પરંતુ તેના મહિલા ડિરેક્ટર રાયકા ઝેહતબિચ ઈરાનના છે. અગાઉ ૮૯મા ઓસ્કર સમારોહમાં પણ રાયકાની ફિલ્મ સિલેક્ટ થઈ હતી.
આ ફિલ્મ સાથે ગુજરાતનું કનેક્શન
બીજી તરફ બેસ્ટ એક્ટર તરીકેનો એવોર્ડ બ્રિટિશ ગાયક ફ્રેડી મર્ક્યુરી પરની ફિલ્મ ‘બોહેમિયન રેપસોડી’માં ફ્રેડીનું પાત્ર ભજવનારા રેમી મલેકને મળ્યો છે. ફ્રેડીએ તેમના મિત્રો સાથે મળીને ૧૯૮૦ના દાયકામાં લંડનમાં ક્વીન નામના રોક બેન્ડની સ્થાપના કરી હતી. આ ફિલ્મમાં રોક બેન્ડ અને ફ્રેડી બન્નેની ચડતી-પડતી દર્શાવાઈ છે. ગાયક તરીકે લોકપ્રિય થયેલા ફ્રેડીના મૂળિયા ગુજરાત સુધી પહોંચે છે. કેમ કે જેના પરથી ફિલ્મ બની એ ફ્રેડીનો જન્મ બ્રિટિશ તાબાના ઝાંઝીબારમાં થયો હતો. તેમના પિતા બોમી અને માતા જેર ગુજરાતના વલસાડના પારસી હતા. ફ્રેડીએ પોતાનું નાનપણ ભારતમાં પસાર કર્યું હતું, તેમનો પરિવાર નિયમિત રીતે પારસી ધર્મસ્થાન ઉદવાડા આવતો હતો.
અંગ્રેજો વલસાડનો ઉચ્ચાર બુલસર તરીકે કરતા હતા. અહીંના પારસીઓએ બુલસારા સરનેમ પણ અપનાવી હતી. માટે ફ્રેડીનું મૂળ નામ ફારુક બુલસારા હતું. ઝાંઝીબાર અને ત્યાંથી બ્રિટન પહોંચ્યા પછી એ નામ બદલાયું હતું. ૪૫ વર્ષના ટૂંકા આયુષ્યમાં ફ્રેડીએ લોકપ્રિય ગાયક તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. તેનું જીવન જોકે વિવાદોથી ભરેલું હતું, ખોટી ટેવોને કારણે છેવટે એઈડ્સથી તેમનું મૃત્યુ થયું હતું.
ઓસ્કર વિજેતાઓની યાદી
સર્વશ્રેષ્ઠ ફિલ્મઃ ગ્રીન બુક
સર્વશ્રેષ્ઠ એક્ટરઃ રેમી મલેક (બોહેમિયન રેપસોડી)
સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસઃ ઓલિવિયા કોલમેન (ધ ફેવરિટ)
સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટરઃ અલ્ફાન્સો ક્યૂરોન (રોમા)
ફોરેન ફિલ્મઃ રોમા
સહાયક અભિનેત્રીઃ રેજિના કિંગ (અફ બીલ સ્ટ્રીટ કુડ ટોક)
સહાયક એક્ટરઃ મહાર્શલા અલી (ગ્રીન બુક)
સર્વશ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મઃ સ્પાઈડર મેન – ઈન ટુ ધ સ્પાઈડર વર્સ
શોર્ટ ફિલ્મઃ પીરિયડ - એન્ડ ઓફ સેન્ટેન્સ
સર્વશ્રેષ્ઠ વિઝયુઅલ ઈફેક્ટસઃ ફર્સ્ટ મેન
લાઈવ એક્શન શોર્ટ ફિલ્મઃ સસ્કિન
સર્વશ્રેષ્ઠ ઓરિજનલ સ્ક્રીનપ્લેઃ ગ્રીન બુક