ઇસ્લામાબાદ: ગયા શનિવારે પાકિસ્તાના મીડિયામાં ભારતીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું 1996માં આપેલું ભાષણ બહુ ચર્ચાસ્પદ બન્યું હતું. 16 મે 1996ના રોજ સત્તા સંભાળ્યાના 13 દિવસ પછી વાજપેયીને માત્ર એક મત ખાતર રાજીનામું આપવાની ફરજ પડી હતી. એ સમયનું એમનું આ ભાષણ અત્યંત પ્રખ્યાત બન્યં હતું. પાક. વિપક્ષી નેતા મરિયમ નવાઝે પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાની મીડિયામાં પણ વાજપેયીના આ ભાષણની ક્લિપ ફરતી થઈ હતી. વિપક્ષે ઇમરાનની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ ભારતની પ્રશંસા કરી રહ્યા છે તો ભારતા મહાન વડા પ્રધાનને અનુસરે. તેમણે અટલજી પાસેથી ઘણું શીખવું જોઈએ. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પણ કહ્યું હતું કે વાજપેયીએ ખુલ્લા દિલથી સંસદનો સામનો કર્યો હતો. ઈમરાને પણ આ હિંમત કેળવવી જોઈએ.