ન્યૂ યોર્કઃ પૂર્વ વડા પ્રધાન વાજપેયીનાં નિધન પર શોક વ્યક્ત કરતા અમેરિકાના વિદેશ પ્રધાન માઇકલ પોમ્પિઓએ જણાવ્યું હતું કે, વાજપેયીની દૂરંદેશીને કારણે આજે અમેરિકા અને ભારતના સંબંધોને લાભ થઈ રહ્યો છે. તેઓ સારી રીતે જાણતા હતા કે, અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વૈશ્વિક અર્થતંત્રને સમૃદ્ધ બનાવશે અને બંને લોકશાહીને તેનાથી લાભ થશે. ભારતને વૈશ્વિક અને આર્થિક મહાસત્તા બનવા તરફ દોરી જતાં વાજપેયીનાં યોગદાનોને ભારતીયો ક્યારેય ભૂલી શકશે નહીં.
પોમ્પિઓએ જણાવ્યું હતું કે, વાજપેયીએ ભારતના વિકાસ માટે અથાક પ્રયાસ કર્યા હતા. વર્ષ ૨૦૦૦માં અમેરિકી સંસદમાં કરેલાં સંબોધનમાં વાજપેયીએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને કુદરતી ભાગીદારી ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી પહેલેથી જાણતા હતા કે, અમેરિકા અને ભારત તેમનાં લોકતાંત્રિક મૂલ્યોના આધારે ગાઢ સંબંધો વિકસાવી ભારતીય ઉપખંડ અને વિશ્વની આર્થિક સમૃદ્ધિ, સુરક્ષામાં યોગદાન આપી શકે છે.
અમેરિકી પ્રજા ભારતીયોની પડખે
પોમ્પિઓએ જણાવ્યું હતું કે, હું અમેરિકાની જનતા વતી ભારતની જનતાને હૃદયપૂર્વકનો દિલાસો પાઠવું છું. આ દુઃખની ઘડીમાં અમેરિકાનાં લોકો ભારતીયોની પડખે ઊભાં છે. અમે ભારતની જનતાને અમારી પ્રાર્થનામાં યાદ કરી રહ્યાં છીએ.