બૈજિંગ, ઉલાન-બાટોર, સિઓલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તર અને પૂર્વીય દેશોનો છ દિવસનો પ્રવાસ ભારતના અર્થતંત્ર માટે બહુ ફળદ્રુપ સાબિત થાય તેવો આશાસ્પદ માહોલ સર્જાયો છે. ચીન, મોંગોલિયા અને સાઉથ કોરિયાના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદીએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની સાથોસાથ દેશ માટે અઢળક વિદેશી મૂડીરોકાણ પણ આકર્ષ્યું છે.
ભારત-ચીન સંબંધોમાં નવા અધ્યાયનો આરંભ કરતાં બન્ને દેશોએ ૧૦ બિલિયન ડોલરના ૨૪ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં સ્કિલ ડેવલપમેન્ટ, શિક્ષણ, વેપાર, રેલવે વગેરે ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચીનના ઉદ્યોગ-જૂથોએ ભારતીય કંપનીઓ સાથે ૨૧ કરાર કર્યા છે, જે અંતર્ગત ભારતમાં ૨૨ બિલિયન ડોલરનું મૂડીરોકાણ આવશે. આ કરારોથી મોદીના મહત્ત્વાકાંક્ષી ‘મેઇક ઇન ઇંડિયા’ પ્રોજેક્ટને વેગ મળશે તેમ આર્થિક નિષ્ણાતોનું માનવું છે.
વડા પ્રધાન પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત ચીન પહોંચેલા મોદીએ પ્રવાસનો પ્રારંભ રાષ્ટ્રપતિ જિનપિંગના વતન શિયાનથી કર્યો હતો અને સમાપન શાંઘાઇમાં કર્યું હતું. મોદી ચીનથી મોંગોલિયા અને અંતિમ તબક્કામાં સાઉથ કોરિયા પહોંચ્યા હતા.