કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ ચાર દસકાની શોધખોળ બાદ એવી માછલી શોધી કાઢી છે જે એક સમયે ‘સમુદ્રના ભૂત’ તરીકે ઓળખાતી હતી. આ માછલી એવી છે જેને ભાગ્યે જ કોઈએ અગાઉ જોઈ હશે. તમને પણ માન્યામાં ન આવતું હોય તો એક નજર ફોટો પર નાંખી લો. ઓસ્ટ્રેલિયન નેશનલ ફિશ કલેક્શનના સંશોધકોએ આ વિશાળકાય કેટશાર્ક (ઘોસ્ટફિશ)ને શોધી કાઢી છે. તેનું સ્વરૂપ એટલું બિહામણું છે કે સંશોધકો ખુદ તેને જોઈને ડરી ગયા હતા. આ ઘોસ્ટફિશ ઘણી વાર ઊંડા પાણીમાં પોતાના ઈંડા આપીને ગાયબ થઈ જાય છે. આ ભૂતિયા માછલીની તેજસ્વી સફેદ આંખો અને એકદમ સુંવાળી ત્વચા કોઈનું પણ ધ્યાન આકર્ષિત કરે છે. આ માછલી લગભગ 47 સેન્ટિમીટર લાંબી છે.
આ માછલી નાની માછલીઓ, ઓક્ટોપસ અને સ્ક્વિડ જેવા જીવો ખાય છે. સામાન્ય રીતે આ માછલીઓ સમુદ્રમાં 1000 મીટરથી પણ વધારે ઊંડાણમાં રહે છે. રાક્ષસી કેટશાર્કની શોધને દરિયાઇ નિષ્ણાતો એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ ગણાવે છે.