વિએનાઃ વિજ્ઞાનીઓએ પ્રથમ વખત લેબોરેટરીમાં એક કૃત્રિમ ‘મિની હાર્ટ’ વિકસાવ્યું છે. માનવ સ્ટેમ સેલથી બનેલું તલના બીજના આકાર (૨ મિલીમીટર)નું આ કૃત્રિમ હૃદય ૨૫ દિવસના માનવ ભ્રૂણમાં ધબકતા હૃદયની નકલ સમાન છે. વિજ્ઞાનીઓને આશા છે કે આ જ્વલંત સફળતાના પગલે હવે હૃદય સાથે જોડાયેલી અનેક બીમારીઓનું રહસ્ય જાણી શકાશે. ઓસ્ટ્રિયા સાયન્સ એકેડમીના વિજ્ઞાનીઓની ટીમે આ સિદ્ધિ હાંસલ કરી છે.
હકીકતમાં વિજ્ઞાનીઓની ટીમ એ રિસર્ચ કરી રહી હતી કે ભ્રૂણમાં હૃદયની બીમારી કેવી રીતે વિકસે છે. ભ્રૂણમાં જન્મજાત હૃદયદોષ સૌથી વધુ જોવા મળે છે. પ્રસિદ્ધ બાયોએન્જિનિયર જેન મા કહે છે કે, હૃદયની જન્મજાત બીમારી અને મનુષ્યોનાં હૃદયનાં અનેક રહસ્ય ખોલવામાં આ શોધ બહુ ઉપકારક સાબિત થશે. અત્યાર સુધી પશુ મોડેલ પર નિર્ભર સંશોધન કાર્યમાં આ અત્યાર સુધીની સૌથી મહત્ત્વની શોધ છે.
મિશિગન યુનિવર્સિટીના સ્ટેમ સેલ વિજ્ઞાની એટોર એગુઈરે કહે છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં મગજ, લિવર જેવા અંગ લેબમાં વિકસિત કરાયા છે, પરંતુ આ સૌથી સચોટ છે. મનુષ્યના ધબકતા હૃદયને જે રીતે ઓર્ગેનાઈઝ્ડ કરાયું છે, તે એકદમ અસલ જેવું જ છે. તેમાં પણ કોશિકાઓ વિકસિત થઈ છે અને તે પોતાની રીતે જ સંરચનામાં બદલાઈને વાસ્તવિક આકાર પણ લેવા લાગી છે.
પ્રોજેક્ટ સાથે જોડાયેલા ચીફ રિસર્ચર ડો. સાશા મેન્ડજન કહે છે કે, મેં જ્યારે પ્રથમ વખત આ હૃદય જોયું તો મને આશ્ચર્ય થયું કે આ ચેમ્બર્સ આપમેળે બની શકે છે. તે જ્યારે પોતાની કાર્યાવસ્થામાં પહોંચ્યા તો હું સૌથી વધુ ખુશ થયો કે અમારું સંશોધન સફળ થયું છે. આ મિની હાર્ટ લેબમાં ૩ મહિનાથી વધુ સમય સુધી ધબકતા રહ્યા છે.
ચીફ રિસર્ચર ડો. સાશા મેન્ડજન કહે છે કે, તમે જ્યાં સુધી તેને ફરીથી બનાવી શકો નહીં ત્યાં સુધી તમે કોઈ વસ્તુને સંપૂર્ણપણે સમજી શકતા નથી. અમે ફરીથી તેનું નિર્માણ કર્યું છે, જે અમારી સફળતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ચીનના વિજ્ઞાનીઓએ કૃત્રિમ હૃદય વિકસાવવાનો દાવો કર્યો હતો, પરંતુ તે સ્ટેમ સેલમાંથી બન્યું ન હતું. તેમાં રોકેટ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. તેને બનાવવા માટે ચુંબકીય અને દ્રવ્ય લેવિટેશન ટેક્નિકનો ઉપયોગ કરાયો હતો. જેના કારણે મશીનમાં ઘર્ષણ થતું નથી અને કામ કરવાની ક્ષમતા પણ વધી જતી હોય છે.