કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ રંગીન કપાસ વિકસાવ્યું છે. તેમનો દાવો છે કે, આ સંશોધનથી હવે કપડામાં રાસાયણિક રંગોનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. અને આમ શરીર અને પર્યાવરણ બન્ને સુરક્ષિત બનશે.
કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે, અમે કપાસના આણ્વિક રંગના જિનેટિક કોડ શોધવામાં સફળતા મેળવી છે. હાલ અમે અલગ અલગ રંગના છોડના ટિસ્યૂ તૈયાર કર્યા છે અને હવે તેને ખેતરોમાં પણ ઉગાડવામાં આવી રહ્યા છે. હવે અમે એવા કુદરતી કપાસની જાત વિકસાવી રહ્યા છીએ, જેના તાંતણાથી બનેલા કપડામાં કરચલી પણ નહીં પડે અને તેને સ્ટ્રેચ કરવાનું પણ સરળ હશે. આ નવીન શોધથી સિન્થેટિક કાપડનો ઉપયોગ ઘટાડવામાં મદદ મળશે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે, દુનિયાભરમાં હાલ ૬૦ ટકાથી વધુ પોલિયેસ્ટર કપડાંનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે ૨૦૦ વર્ષ સુધી નાશ પામતું નથી. આ સાથે એક કિલો કાપડ રંગવા માટે ૧૦૦૦ લિટર પાણીની જરૂર પડતી હોય છે. હવે આ કપાસથી બનેલા કાપડને રાસાયણિક રંગોથી રંગવાની જરૂર નહીં પડે. વળી તે શરીર અને પર્યાવરણ માટે પણ સારું છે.
આ કપાસ વિકસાવનાર રિસર્ચ ટીમના વડા કોલિન મેકમિલન કહે છે કે, અમે કપાસના આણ્વિક જિનેટિક કલર કોડને એ રીતે રોપ્યો કે જેનાથી છોડ પોતે જ જુદા જુદા રંગના કપાસ પેદા કરે. અમે તમાકુના છોડમાં તેનો પ્રયોગ કર્યો તો પાંદડામાં રંગીન ધબ્બા ઊભરી આવ્યા. આ સમયે અમને વિચાર આવ્યો કે, આપણે જિનમાં ફેરફાર કરીને કપાસ પણ બનાવી શકીએ. આ સંશોધન દુનિયાની ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિકારી ફેરફાર આણશે કારણ કે, હાલ આપણે જે ફાઈબર તૈયાર કરીએ છીએ, તે બાયોડિગ્રેડેબલ અને રિન્યુએબલ તો છે, પરંતુ રંગીન નથી.’
ભારતમાં સફળતા મળી, પણ મર્યાદિત
ભારતમાં રંગીન તપાસ વિકસાવવા માટે ઘણાં બધા પ્રયોગ થયા છે. જોકે, વિજ્ઞાનીઓને ભૂરા અને લીલા રંગ સિવાય બીજા કોઇ રંગનો કપાસ વિકસાવવામાં સફળતા નથી મળી. જોકે, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ આવા આજે પણ સંશોધનો ચાલુ છે. નોર્ધર્ન ઈન્ડિયા ટેક્સ્ટાઈલ રિસર્ચ એસોસિયેશને રંગીન કપાસ સાથે સંકળાયેલી ૧૫ પેટન્ટ પણ નોંધાવી છે.