લંડનઃ વિદેશમાં કાયમી વસવાટ અર્થે ગયેલા બ્રિટિશ નાગરિકો યુકેની સામાન્ય ચૂંટણીઓમાં આજીવન મતદાન કરી શકે તેવો સુધારો કરવાની જાહેરાત બ્રિટિશ સરકારે કહ્યું હતું કેરી છે. બ્રેક્ઝિટ વોટ પછી વિદેશમાં વસતા બ્રિટિશરો સાથે નાતો મજબૂત રહે તે માટે ૧૫ વર્ષની મર્યાદા રદ કરવામાં આવનાર છે. કાયદામાં ફેરફારથી આશરે ૧૦ લાખ બ્રિટિશરોને ફાયદો થશે તેમ મનાય છે.
બંધારણ માટેના મિનિસ્ટર સ્કિડમોરે આ યોજના જાહેર કરી છે. આવી સુવિધા આપવા દ્વિતીય વિશ્વ યુદ્ધમાં બેટલ ઓફ એન્ઝિઓના પીઢ સૈનિક હેરી શિન્ડલરે અભિયાન ચલાવ્યું હતું. આ યોજના અંગે પાર્લામેન્ટના બન્ને ગૃહો દ્વારા બહાલી મેળવવી પડશે. સ્કિડમોરે જણાવ્યું હતું કે,‘ વિદેશમાં રહેવા ગયેલા બ્રિટિશ નાગરિકો આપણી લોકશાહીનો હિસ્સો છે અને તેમાં ભૂમિકા ભજવે તે મહત્ત્વપૂર્ણ છે. વિદેશસ્થિત બે તૃતીઆંશ બ્રિટિશ નાગરિકો ઈયુ બહાર વસે છે ત્યારે બ્રેક્ઝિટના નિર્ણય પછી બ્રિટનને આંતરરાષ્ટ્રીય વેપાર વિસ્તારવામાં મદદ કરવા આપણી વિદેશસ્થિત કોમ્યુનિટીએ વિશેષ ભૂમિકા ભજવવાની છે.’
વિદેશમાં વસતા બ્રિટિશરોને મતાધિકાર માટે વર્ષોથી લડત ચલાવતા ૯૫ વર્ષીય વેટરન શિન્ડલરે કહ્યું હતું કે ૨૦૨૦ સુધીમાં આવા નાગરિકોને મતાધિકાર આપવાની થેરેસા મેની કટિબદ્ધતાથી મને આનંદ થયો છે. હેરી શિન્ડલર ૧૯૮૨થી પૌત્ર સાથે ઈટાલીમાં વસે છે. તેઓ ૧૫ વર્ષની મર્યાદાના લીધે ૧૯૯૭ પછી બ્રિટનમાં મત આપી શક્યા નથી અને ઈટાલીમાં પણ તેમને મતાધિકાર નથી. તેમણે બેલ્જિયમમાં રહેતાં જેક્વેલીન મેક્લેનન સાથે મળી ઈયુ રેફરન્ડમમાં મતાધિકાર નહિ મળવા સામે કેસ કર્યો હતો. જોકે, લોર્ડ જસ્ટિસ લોઈડ જોન્સે તેમના અધિકારો મર્યાદિત ન થતાં હોવાનું જણાવી ન્યાયિક સમીક્ષા માટેની અરજી ફગાવી દીધી હતી.