નવી દિલ્હીઃ ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી અને રાજ્યના અંગે યુએન સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)ના પાંચ કાયમી સભ્ય દેશોને જાણ કરી છે. પાકિસ્તાને કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવાનો પ્રયાસ કરતાં જ ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે સિક્યુરિટી કાઉન્સિલના પાંચ સભ્યો- અમેરિકા, રશિયા, ચીન, યુકે અને ફ્રાન્સના દૂતાવાસોના હાઈ કમિશનરોને સરકારના નિર્ણય અંગે માહિતગાર કર્યા હતા. સાથોસાથ એમ પણ જણાવ્યું હતું કે આ ભારતનો આંતરિક મુદ્દો છે અને જમ્મુ અને કાશ્મીરના વિકાસ, લોકોની સુરક્ષા અને સલામતી સાથે જોડાયેલો છે.
યુનાઈટેડ નેશન્સમાં આ પાંચ દેશો પાવરફુલ છે અને તેથી તેમને ભારત સરકારના નિર્ણયની પૂરેપૂરી જાણકારી આપવામાં આવી હતી. જેથી પાકિસ્તાન આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે બીજા દેશોને દખલ કરવા વિનંતી કરે તો ભારતની નીતિ તેમને પહેલાં જ ખબર હોય. વિજય ગોખલે સિવાય વિદેશ ખાતાના બીજા સચિવોએ બીજા દેશોના રાજદૂતોને આ નિર્ણયની જાણકારી આપી હતી. જોકે આ દેશોમાં પાકિસ્તાનનો સમાવેશ નહોતો.
ભારતને શા માટે ૭૦ વર્ષ બાદ કલમ ૩૭૦ને નાબૂદ કરવાની ફરજ પડી અને રાજ્યનું શા માટે વિભાજન કરાયું એની તમામ જાણકારી આ બ્રીફિંગમાં આપવામાં આવી હતી. રાજદૂતોને કહેવામાં આવ્યું હતું કે આ માત્ર ભારતનો આંતરિક મુદ્દો છે.
જમ્મુ અને કાશ્મીરના લોકોને સારી સરકાર આપવા, રાજ્યમાં સામાજિક અસમાનતા દૂર કરવા કાયદો અને વ્યવસ્થાની સ્થિત પુનઃ સ્થાપિત કરવા અને રાજ્યના આર્થિક વિકાસ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.