પ્રાચીન ભાષાઓનો અભ્યાસ કરતા કોઈએ પણ આવા તદ્દન અસ્પષ્ટ કે અજાણ્યા ક્ષેત્રમાં શા માટે જવું જોઈએ તેવાં પ્રશ્નોથી ટેવાઈ જવું જોઈએ. વ્યક્તિ-વ્યક્તિએ ઉત્તરો બદલાતાં રહે છે કારણકે તેમને આમાં શા માટે રસ પડ્યો તે સમજાવવા પોતાની અલગ કહાણી તેમની પાસે હોય છે. મારાં કિસ્સામાં તો લોસ એન્જલસમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (UCLA) ખાતે ઈન્ડો-યુરોપિયન સ્ટડીઝમાં PhD કરવાના નિર્ણય પાછળ સંખ્યાબંધ જટિલ પરિબળોની ભૂમિકા રહી છે.
‘ઈન્ડો-યુરોપિયન’ શબ્દથી બધાં પરિચિત ન જ હોય પરંતુ, સરળ રીતે કહું તો તે એક ભાષાકીય પરિવારનો ઉલ્લેખ કરે છે, જેમાં સંસ્કૃત (અને ગુજરાતી, હિન્દી અને સંબંધિત ભાષાઓ), ઈંગ્લિશ, યુરોપિયન ક્લાસિકલ ભાષાઓ ગ્રીક અને લેટિન (ફ્રેન્ચ તેમજ લેટિનમાંથી ઉતરી આવેલી અન્ય રોમન્સ ભાષાઓ સહિત) તેમજ અન્ય ઘણી વિખ્યાત ભારતીય અને યુરોપીય ભાષાઓનો સમાવેશ થાય છે. આ બધી ભાષાઓ Proto-Indo-European તરીકે ઓળખાતી ભાષામાંથી ઉતરી આવી છે. Proto-Indo-European ભાષા કદી લખાઈ નથી પરંતુ, તેમાંથી ઉદ્ભવેલી ભાષાઓમાંથી આપણે ઘણી વિગતોનું તારણ કાઢી શકીએ છીએ.
ઘણા લોકોની માફક હું પણ યુરોપિયન ક્લાસિકલ પ્રાચીનતાના મારાં BAના અભ્યાસમાં માર્ગે જ ઓક્સફર્ડમાં ઈન્ડો-યુરોપિયન સ્ટડીઝમાં રસ ધરાવતી થઈ. મને હંમેશાથી ભાષા શીખવામાં રસ અને અભિરુચિ રહ્યાં છે, જે મને પ્રોત્સાહિત કરતાં રહ્યાં છે. આથી જ, લેટિન અને ગ્રીક ભાષા વચ્ચે સંબંધ વિશે લેક્ચરમાં હાજરી આપી શકાશે તે જાણવાં સાથે મને ભારે રોમાંચ થયો હતો. વ્યક્તિગત ભાષાના ઉચ્ચારણ પદ્ધતિઓમાં પરિવર્તનોથી ઢંકાયેલા હોવાં છતાં, તદ્દન અલગ લાગતા અને બહુ દૂરનો સંબંધ ધરાવતી ભાષાના શબ્દો મૂળતઃ એક જ છે તે અમારાં લેક્ચરર અમને સમજાવતા હતા. લેટિન અને ગ્રીક શબ્દોની સાથોસાથ અમે મહાન ઈન્ડો-યુરોપિયન ક્લાસિકલ ભાષાઓમાં સૌથી પ્રાચીન અને સૌથી વિશાળ સાહિત્યભંડાર ધરાવતી સંસ્કૃત ભાષામાં તેમને સમાન શબ્દો પર પણ નજર રાખતાં હતાં.
મારો BAનો અભ્યાસ પૂર્ણ કર્યાં પછી હું ગ્રેજ્યુએટ સ્ટડીઝ માટે આતુર હોવાં સાથે ઐતિહાસિક ભાષાશાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય મારાં માટે આવી પહોંચ્યો હોવાનું પણ જાણતી હતી. મેં General Linguistics and Comparative Philologyમાં MPhil કરવાં માટે ઓક્સફર્ડમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. આ સમય દરમિયાન મને સંસ્કૃત ભાષાનો વ્યવસ્થિત અભ્યાસ કરવાની તક આખરે સાંપડી હતી. હું એક ભાષાશાસ્ત્રી હોવાની સાથોસાથ અર્ધ-ગુજરાતી હોવાનું ગૌરવ પણ ધરાવતી હતી. હું મહાભારત અને ભગવદ્ ગીતાના ભાગ સહિત સંસ્કૃતના પાઠો વાંચી શકવાના વિચારથી જ ઉત્તેજિત હતી. થોડાં જ સમયમાં હું વેદોની અને વિશેષતઃ ઋગવેદની ભાષા શીખવા લાગી હતી. અતિ પ્રાચીનકાળમાં ઉદ્ભવ હોવાથી ઋગવેદ તેના આધ્યાત્મિક મહત્ત્વથી અલગ ઈન્ડો-યુરોપિયન સ્ટડીઝમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે.
હું એકેડેમિક કારકિર્દીમાં આગળ વધવા માગતી હતી. મારે કયા વિષયમાં ડોક્ટરેટ કરવું તેનો નિર્ણયનો આ સમય હતો. સંસ્કૃત ભાષાના પ્રેમમાં પડી ગઈ હોવાથી આ ભાષાના ઈતિહાસમાં મારો રસ વિકસે તેવી UCLA (યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-(લોસ એન્જલસ) જેવી યુનિવર્સિટીઓમાં અરજીઓ કરવાનો નિર્ણય કર્યો હતો. મારાં સદનસીબે મને UCLAમાં વેદના ખ્યાતનામ પ્રકાંડ વિદ્વાન અને ઋગવેદના ઈંગ્લિશમાં સૌથી સંપૂર્ણ અનુવાદના સહ-આલેખક સ્ટેફની જેમિસન સાથે કામ કરવાની તક પ્રાપ્ત થઈ હતી.
જેણે કદી અમેરિકા નિહાળ્યું ન હોય કે એકસાથે બે સપ્તાહથી વધુ સમય યુકે છોડ્યું ન હોય તેવી મારાં જેવી ઘરપ્રેમી બ્રિટિશર માટે LA જવાનો નિર્ણય ઘણી મોટી વાત હતી. ભવિષ્યની તકો માટે રોમાંચિત હોવાં છતાં, હું ભયભીત હતી અને શરૂઆતના થોડાં મહિના હું હોમ-સિક પણ રહી હતી. મારાં બ્રિટિશ ઉચ્ચારો સમજાવી શકવાની મુશ્કેલી તેમજ યુકે અને યુએસ ઈંગ્લિશ વચ્ચે સંખ્યાબંધ આશ્ચર્યકારી નાના તફાવતો મધ્યે હું એક હકીકતથી બરાબર વાકેફ હતી કે હું પરદેશમાં હતી. મારાં સદનસીબે, પ્રોફેસર્સ અને સાથી વિદ્યાર્થીઓ એટલા માયાળુ હતા કે થોડા જ સમયમાં મારાં વિષય પર કામ કરવા માટે વિશ્વમાં શ્રેષ્ઠ સ્થળોમાં એક સ્થળે હોવાની લાગણીનો આનંદ અનુભવતી થઈ હતી.
યુએસમાં ઉચ્ચતર શિક્ષણની આટલી ઉચ્ચ પ્રતિષ્ઠા હોવાના અનેક કારણોમાં અમેરિકન PhDsના માળખાનો પણ સમાવેશ થાય છે. બ્રિટનમાં માત્ર ત્રણ વર્ષમાં ડોક્ટરેટ પૂર્ણ કરી શકાય છે ત્યારે આ ઝડપ સિંગલ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાના જોખમે મેળવાય છે. અત્યારે UCLA ખાતે મારાં પ્રથમ વર્ષમાં છું અને બીજા પાંચેક વર્ષ હું ત્યાં રહેવાની ધારણા રાખી શકું છું. અથર્વવેદ પર મહાનિબંધ (dissertation) લખવાની મારી યોજના છે પરંતુ સંસ્કૃત પ્રત્યે મારું ગાઢ ખેંચાણ હોવા સાથે પણ હું ખુદને સંસ્કૃતની વિદ્વાન માનતી નથી. મને ગ્રીક અને લેટિનનું ઊંડુ જ્ઞાન છે પરંતુ હું ખુદને ક્લાસિસિસ્ટ પણ માનતી નથી. ભાષાશાસ્ત્ર (linguistics)માં ગ્રેજ્યુએટ ડીગ્રી મારી પાસે હોવાં છતાં દેખીતી રીતે જ ભાષાશાસ્ત્ર મારો મુખ્ય રસનો વિષય નથી. જોકે, ભાષાની કથાઓ સમય સાથે બદલાતી રહે છે. મારો દીર્ઘ અભ્યાસક્રમ મને તમામ રસ સંતોષવાની છૂટ આપે છેઃ હું ક્લાસિક્સ ડિપાર્ટમેન્ટમાં વર્ગોમાં હાજરી આપી લેટિન અને ગ્રીક ભાષાનો રસ જાળવી શકું છું તો સાથોસાથ સ્ટેફની સાથે મારી ઈન્ડિક સ્ટડીઝને પણ આગળ વધારી શકું છું. આ ઉપરાંત, કેલિફોર્નિયાના અતિ સુંદર વાતાવરણમાં રહીને ઉપયોગી મેથોડોલોજિકલ સ્કિલ્સ શીખવાની સાથેમહત્ત્વપૂર્ણ વ્યાવસાયિક કૌશલ્યોની તાલીમ પણ મેળવતી રહીશ. જે માર્ગ મને અહી લાવ્યો છે તે સર્પાકાર રહ્યો છે પરંતુ, મને એક પણ વળાંકનો ખેદ નથી.
(બ્રિટિશ નાગરિક અનાહિતા હૂસ લોસ એન્જલસમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે વેદિક અભ્યાસ કરી રહી છે. અહીં તેમણે પોતાના અનુભવોમાં બધાને સહભાગી બનાવ્યા છે.)