નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જી છે. તેથી અમેરિકા સહિતના વિદેશોમાં રહેતા ભારતીય તબીબો અને વ્યાવસાયિકોએ પ્રોજેક્ટ મદદ નામની એક પહેલ શરૂ કરી છે.
પ્રોજેક્ટ મદદ નામની આ પહેલામાં ગામડાંઓમાં રહેલા લોકો અને સ્વાસ્થ્યકર્મીઓને ઓનલાઇન સારવાર અને નિદાન વિશેની માહિતી અને તાલીમ આપવામા આવશે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં બેડની ઉપલબ્ધતા અને વેક્સિન વિશેના અપપ્રચારને ખાળવાનો પ્રયત્ન આ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે. ગ્રામીણ ભારતમાં ફરજ બજાવતા સ્વાસ્થ્યક્રમીઓ અને આર.એમ.પી. (રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર)ને તાલીમ આપવાના મૂળભૂત હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, કારણકે આ વિસ્તારોમાં કોવિડ પર અંકુશ મેળવવમાં આ કર્મીઓ જ પાયાના પરિબળો હશે. અત્યારે શરૂઆતમાં પ્રોજેક્ટ મદદ તેલંગણા અને આંધ્રપ્રદેશના ગ્રામ્ય વિસ્તારોના સ્વાસ્થ્ય કર્મીઓને તાલીમ આપવા સાથે શરૂ થયો છે અને ક્રમશઃ આ મોડેલ દેશભરમાં લાગુ કરવાની યોજના બનાવવામાં આવી છે.