નવી દિલ્હી: ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) દ્વારા ભારતીય મૂડીબજારમાંથી નાણાં પાછાં ખેંચવાનો સિલસિલો છેલ્લા છ મહિનાથી ચાલુ છે. આમાં પણ માર્ચમાં તો 11 જ દિવસમાં એફપીઆઇએ ભારતીય બજારોમાંથી 45,608 કરોડ રૂપિયાનું રોકાણ પરત ખેંચ્યું છે.
એક અગ્રણી ફાઇનાન્સિયલ સર્વિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટના જણાવ્યા અનુસાર ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા કોમોડિટીના ભાવની સૌથી વધારે અસર ભારત પર પડશે કારણ કે ભારત ક્રૂડ ઓઇલનું મુખ્ય આયાતકાર છે. આંકડા દર્શાવે છે કે એફપીઆઇએ 2 થી 11 માર્ચ દરમિયાન જ શેરબજારમાંથી 41,168 કરોડ રૂપિયાનું રોકાણ પરત ખેંચ્યું છે. આ ઉપરાંત તેમણે બોન્ડ બજારમાંથી 4431 કરોડ રૂપિયા અને હાઇબ્રિડ માધ્યમોમાંથી 9 કરોડ રૂપિયાનું રોકાણ પરત ખેંચ્યું છે. આમ તેમણે કુલ 45,608 કરોડ રૂપિયાનું રોકાણ પરત ખેંચ્યું છે. આ સતત છઠ્ઠો મહિનો છે જ્યારે એફપીઆઇ ભારતીય બજારોમાં વેચવાલી કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે એફપીઆઇ મુખ્યત્વે આઇટી અને ફાઇનાન્સ સેક્ટરની કંપનીઓના શેર વેચી રહ્યાં છે. તેનું એક કારણ એ છે કે એફપીઆઇના પોર્ટફોલિયોમાં સૌથી વધુ શેરો આ જ કંપનીના છે.
અન્ય એક કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021થી ડોલર સતત મજબૂત બની રહ્યો છે. અમેરિકામાં હવે વ્યાજ દરો પણ વધી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે જિયો-પોલિટીકલ તંગદિલીને કારણે પણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો તેમનું રોકાણ પરત ખેંચી રહ્યાં છે.