લંડનઃ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલ બ્રેક્ઝિટના ચુસ્ત સમર્થક છે, પરંતુ યુરોપિયન યુનિયન સહાય સંસ્થાઓ સાથે છેડો ફાડવા હજુ તૈયાર નથી. પ્રથમ પાર્લામેન્ટરી સુનાવણીમાં પ્રીતિ પટેલે ઈયુમાંથી બહાર જવાની વાટાઘાટો શરુ થનાર છે ત્યારે યુરોપિયન યુનિયન ડેવલપમેન્ટ સંસ્થાઓ સાથે બ્રિટનના સંબંધોની વાત કરી હતી. ઈયુના સૌથી મોટા સહાય સાધન ઈયુ ડેવલપમેન્ટ ફંડને બ્રિટિશ સહાય ચાલુ રહેવા સંબંધે ડર તેમણે દૂર કર્યો હતો. આ ફંડમાં બ્રિટન લગભગ ત્રીજો હિસ્સો આપે છે.
યુકેની ગ્લોબલ એઈડ સિસ્ટમમાં સુધારો લાવવા માગતાં ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટરે કહ્યું હતું કે બ્રિટનની ૧૨ બિલિયન પાઉન્ડની વિદેશી સહાયના મોટા ભાગના નાણા વેડફાય છે, ચોરાઈ જાય છે અથવા તેનો ઉપયોગ અયોગ્ય પ્રોજેક્ટ્સમાં થાય છે. આવી સહાય મુખ્ય ટોરી મૂલ્યો અનુસારની રહેવી જોઈએ તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું. જોકે, સહાય બજેટમાં કાપના સમર્થક પટેલે કહ્યું હતું કે રાષ્ટ્રીય આવકનો ૦.૭ ટકા હિસ્સો સહાય અને વિકાસ પાછળ ખર્ચવા ટોરી મેનિફેસ્ટોમાં અપાયેલા વચન પ્રત્યે તેઓ કટિબદ્ધ છે.
કોમન્સ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ કમિટીના સાંસદો સમક્ષ હાજર થતાં અગાઉ જ તેમણે કહ્યું હતું કે,‘ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ તરીકે મારો ઉદ્દેશ ગ્લોબલ એઈડ સિસ્ટમને પડકારવાનો અને સુધારવાનો રહેશે, જેથી વિશ્વના સૌથી ગરીબ લોકોની સેવા થાય અને આ માટે નાણા ખર્ચતા કરદાતાને ન્યાય મળે.’
તેમણે કહ્યું હતું કે તેમની નવી ભૂમિકા માત્ર સહાય સંબંધિત નથી. આપણે ઈયુ છોડવાની તકનો ઉપયોગ જેમને સૌથી વધુ જરુર છે તેમની સાથે મુક્ત વેપાર વિસ્તારવા, ગરીબ દેશોમાં રોકાણોને પ્રોત્સાહન આપવા અને વિશ્વના ઉભરતાં અર્થતંત્રો સાથે નવા જોડાણો સાધવામાં કરવો જોઈએ.