નવી દિલ્હીઃ ભારતમાં એનઆરઆઈ લગ્નોનાં રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ ફરજિયાત બનાવવા વિદેશ મંત્રાલયની નિષ્ણાત સમિતિએ ભલામણ કરી છે. વિદેશમાં રહેતા ભારતીય પુરુષ સાથે લગ્ન કરીને સુખી થવાના સપનાં જોનાર મહિલાઓ જ્યારે વિદેશમાં વસતા ભારતીયને પરણીને ઘરેલુ હિંસા કે દહેજની માગણીનો શિકાર બનતી હોય છે. આવી ભારતીય મહિલાઓનાં અધિકારો રક્ષવા માટે અને તેમને ત્યક્તા કે ડિવોર્સી ન બનાવવામાં આવે તે માટે વિદેશ મંત્રાલયની આંતર મંત્રાલય સમિતિ દ્વારા આ ભલામણ કરાઈ છે.
વિવિધ દેશો સાથે પ્રત્યાર્પણ સંધિમાં સુધારાના મંતવ્યો
વિદેશમાં ઘરેલુ હિંસા આચરનાર લોકોની ભારતમાં કસ્ટડી મેળવવા માટે જુદા-જુદા દેશો સાથેની પ્રત્યાર્પણ સંધિમાં સુધારા કરવા પણ સમિતિએ સૂચવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે વિદેશમાં વસતા ભારતીય દ્વારા ભારતીય મહિલા સાથે લગ્ન કરીને ગૂનો આચરનારાને પકડવાનું ક્યારેક ઘણું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને આવા ગૂનેગારોને નોટિસ બજાવવાનું કામ મુશ્કેલ બને છે કારણ કે તેનું યોગ્ય સરનામું જ સત્તાવાળાઓ પાસે હોતું નથી. આ જોગવાઈ ફક્ત એનઆરઆઈને લાગુ પાડવાની ભલામણ કરાઈ છે. જે લોકો ભારતીય પાસપોર્ટ ધરાવતાં હોય તેમને માટે જ આ જોગવાઈ ફરજિયાત કરવામાં આવે તેમ સમિતિએ જણાવ્યું છે. આવાં લગ્નોથી સર્જાતા વિવાદોનાં ઉકેલ માટે નેશનલ કમિશન ફોર વિમેનને નોડલ એજન્સી બનાવવા સમિતિએ સૂચન કર્યુ છે. ૨૦૦૫થી ૨૦૧૨ સુધીમાં એનઆરઆઈ સેલ પાસે આવા ૧,૩૦૦ કિસ્સાઓ આવ્યા હતા. આવા કેસની તપાસ કરવા વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, મહિલા અને બાળવિકાસ મંત્રાલયનાં અધિકારીઓની સ્પેશિયલ ટીમ બનાવીને તેમને યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા આફ્રિકા અને પશ્ચિમ એશિયાનાં દેશોમાં મોકલવા સમિતિએ કહ્યું હતું.
ભારતીય મહિલાઓને લગ્ન જીવનના હકનો હેતુ
ભારતીય પાસપોર્ટ ધરાવતા યુવકો ભારતમાં લગ્ન કરીને વિદેશમાં વસવાટ કરવા જતા હોય છે. વિદેશમાં રહેવાનાં શમણાં જોતી ભારતીય મહિલાઓને લગ્નજીવનના અધિકાર આપીને તેમનાં લગ્ન જીવનને ટકાવી રાખવા માટે આવી ભલામણ કરાઈ છે. સમિતિ દ્વારા ૩૦ ઓગસ્ટે આ અંગેનો અહેવાલ વિદેશ મંત્રાલયને સુપરત કરાયો છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા હાલ એનઆરઆઈ તેમજ ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા અને પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિનની આધાર હેઠળ નોંધણી કરવાની નીતિ ઘડી રહી છે. હાલ ભારતીય નાગરિક અને માન્ય વિઝા ધરાવતા વિદેશીઓ સહિત તમામ રેસિડન્ટસની આધાર નંબર હેઠળ નોંધણી કરવામાં આવે છે.