નૈરોબીઃ વિદેશની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા આફ્રિકી દેશોના કેટલાક વડા ત્યાં રહીને તેમના દેશનું શાસન સંભાળી રહ્યા છે. નાઈજીરીયાના ૭૪ વર્ષીય પ્રમુખ બુહારી લંડનમાં સારવાર હેઠળ છે. તેમની તબિયતની કોઈ માહિતી નથી. આ વર્ષે તેઓ માત્ર ૭૮ દિવસ નાઈજીરીયામાં રહ્યા હતા. તેમણે કાર્યકારી પ્રમુખ યેમી ઓસિન્બાજોને સંપૂર્ણ સત્તા સોંપવાનો ઈનકાર કર્યો હતો.
ઝિમ્બાબ્વેના વિપક્ષે પણ ૯૩ વર્ષીય પ્રમુખ રોબર્ટ મુગાબે પર સિંગાપોરના પ્રવાસો બાદ હોસ્પિટલના બિછાનેથી શાસન ચલાવવાનો આક્ષેપ કર્યો છે. અધિકારીઓએ તો તેમની મુલાકાતોને રુટિન હેલ્થ ચેક અપ ગણાવી હતી. તેમણે ગયા વર્ષે વિદેશપ્રવાસો પાછળ ૩૯ મિલિયન પાઉન્ડથી વધુ રકમ ખર્ચી હતી.
૩૮ વર્ષથી અંગોલાની સત્તા સંભાળતા ૭૪ વર્ષીય પ્રમુખ દોસ સેન્ટોસ કોઈક બીમારીની સારવાર માટે લાંબો સમય સ્પેનમાં ગાળીને તાજેતરમાં જ સ્વદેશ પરત ફર્યા હતા.
અલ્જિરીયાના ૮૦ વર્ષીય પ્રમુખ બુટેફ્લીકા ૨૦૧૩થી સ્ટ્રોકની બીમારીથી પીડાઈ રહ્યા છે. તેની સારવાર માટે તેઓ વારંવાર ફ્રાંસની મુલાકાત લઈ રહ્યા છે.
બેનીનના ૫૯ વર્ષીય પ્રમુખ ટેલોનનું આ સમરમાં પેરિસમાં પ્રોસ્ટેટ અને પાચનતંત્રની સર્જરી કરવામાં આવી હતી.
પોતાના જ દેશમાં સારવાર મેળવનારા ગણ્યા ગાંઠ્યાનેતાઓ પૈકીના એક સુદાનના ૭૩ વર્ષીય પ્રમુખ અલ બશીરે ગયા જાન્યુઆરીમાં ખાર્તુમમાં એક્સપ્લોરેટરી કાર્ડિયાક કેથટરાઈઝેશન કરાવ્યું હતું.