નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ૨૮મી ઓક્ટોબરે સુપ્રીમકોર્ટમાં એવું લેખિત નિવેદન રજૂ કર્યું હતું કે, સરકાર દેશમાં કમર્શિયલ સરોગસીનું સમર્થન કરતી નથી. વિદેશીઓ માટે કમર્શિયલ સરોગસીના હેતુએ કરવામાં આવનાર માનવભ્રૂણની આયાત પર સરકાર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવા માગે છે. પ્રતિબંધ અમલી બનાવવા માટે ટૂંક સમયમાં જરૂરી બધી જોગવાઇઓ હાથ ધરવામાં આવશે અને પ્રતિબંધનો ભંગ કરવા બદલ દંડ પણ કરાશે. જોકે, રિસર્ચના કામ માટે માનવભ્રૂણની આયાત પર સરકાર કોઇ પ્રતિબંધ લાદવા માગતી નથી.
કોર્ટે કેન્દ્રને આ મુદ્દે કહ્યું હતું કે, કોર્ટને આ મામલે સ્પષ્ટતાની જરૂર નથી, પરંતુ કેન્દ્રએ રજિસ્ટ્રીમાં આ બાબતની એફિડેવિટ દાખલ કરવાની રહેશે જેમાં સ્પષ્ટ કરવાનું રહેશે કે, ભારતમાં વિદેશી નાગરિક ભાડા પર કૂખની સુવિધા લઇ શકે નહીં. માત્ર ભારતીય દંપતીઓને એ સુવિધા ઉપલબ્ધ થશે. અંતે ડિરેક્ટર જનરલ ફોરેન ટ્રેડે ૨૦૧૩નું આ બાબતનું જાહેરનામું પાછું ખેંચતાં નોટિફિકેશનમાં સરોગસી દ્વારા બાળક મેળવવાના હેતુએ માનવભ્રૂણના મફત આયાતની મંજૂરી અપાઈ હતી.
દેશ બેબી ફેક્ટરી બની ગયો છે: અરજીમાં જણાવ્યું હતું
જાહેરહિતની અરજી મારફત સુપ્રીમકોર્ટ સમક્ષ વકીલ જયશ્રી વાડેએ દેશમાં સરોગસી બાબતે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે આપણો દેશ 'બેબી ફેક્ટરી'માં તબદીલ થઇ ગયો છે.
સંતાનની ઇચ્છામાં વિદેશી નાગરિક ભારે સંખ્યામાં અહીં ભાડે કૂખની સુવિધા મેળવવા માટે આવી રહ્યા છે તેથી કોર્ટે પણ સરકારને પોતાની નીતિ અંગે અને સરોગસી બાબતે વિચાર કરવાનું કહ્યું હતું.