નવી દિલ્હીઃ ચૂંટણી પંચ અને વિદેશ મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશ બહાર રહેતા ભારતીય મતદારોની સંખ્યા ૭૧,૭૩૫ છે, જેમાં ૯૨ ટકા એકલા કેરળના છે. એટલે કે વિદેશી મલયાલી ભારતીય મતદારની સંખ્યા ૬૬,૫૮૪ છે.
છેલ્લાં પાંચ વર્ષમાં કેરળના એનઆરઆઈ મતદારોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. ૨૦૧૪માં આ આંકડો ૧૨,૬૫૩ હતો. ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૯માં તે વધીને ૬૬,૫૮૪ સુધી પહોંચી ગયો.
જોકે, ભારતની કુલ એનઆરઆઈ વસતી આશરે ૧.૩૦ કરોડ છે, જેમાં ૭૧,૭૩૫ લોકોએ જ મતદાર તરીકે નોંધણી કરાવી છે. દેશમાં ૨૦૧૮માં લોકસભામાં વિદેશી ભારતીયોને મત આપવાનો અધિકાર આપતું બિલ પસાર કરાયું હતું. તેમાં દેશ બહાર રહેતા ભારતીયો પોતાના પ્રતિનિધિની મદદથી મતદાન કરી શકે એવો હક અપાયો છે. આ માટે તેમણે ઓનલાઈન મતદાર તરીકે પોતાનું નામ નોંધાવવું જરૂરી છે.
૪૮ કલાકમાં ચૂંટણી ઢંઢેરો નહીં
રાજકીય પક્ષો મતદાનથી ૪૮ કલાક પહેલાં પ્રચાર થંભ્યા બાદ ચૂંટણી ઢંઢેરો જાહેર નહીં કરી શકે. પંચે શનિવારે આચારસંહિતાના નિયમોમાં ચૂંટણી ઢંઢેરા સંબંધિત જોગવાઈને ઉમેરતા કહ્યું કે મતદાનથી બે દિવસ પહેલાં સુધી રાજકીય પક્ષો તેમના ચૂંટણી ઢંઢેરા જારી કરી શકશે.