નવી દિલ્હીઃ ભારતની સાથે વિશ્વના અનેક દેશોમાં દેશના ૬૯ સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થઇ હતી. ૧૫ ઓગસ્ટે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ઇન્ડિયન હાઇ કમિશનમાં બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરની ઉપસ્થિતિમાં ધ્વજવંદન થયું હતું. આ પ્રસંગે સેંકડો ભારતીયો હાજર રહ્યા હતા. અમેરિકામાં પણ વિવિધ સ્થળે ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઇ હતી. ન્યૂ યોર્કમાં ૩૫મી ઇન્ડિયા ડે પરેડ યોજાઇ હતી. જેમાં હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર, બોલિવૂડ અભિનેત્રી પરિણિતી ચોપરા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ ઉપરાંત શિકાગોમાં ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઇ હતી. ભારતીય કોન્સ્યુલેટ અને ન્યૂ જર્સીમાં પણ આ દિન ઉજવાયો હતો. વધુમાં પાકિસ્તાન, નેપાળ, થાઇલેન્ડ, જાપાન વગેરેની ભારતીય એમ્બેસીમાં સ્વાતંત્ર્ય દિન મનાવવામાં આવ્યો હતો.
બેંગકોકના બ્રહ્મા મંદિર પાસે વિસ્ફોટમાં ૨૭ લોકોના મોતઃ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં બ્રહ્મા મંદિરની સામે સોમવારે સાંજે પ્રચંડ બોંબ વિસ્ફોટ થતાં તેમાં ૨૭ લોકોનાં મોત અને ૮૦થી વધુને ઈજા થઇ હતી. વિસ્ફોટ વખતે ભીડ સૌથી વધુ હતી. કહેવાય છે કે બોંબ બાઈકમાં મૂકાયો હતો. પોલીસે બે જીવિત બોંબ પણ જપ્ત કર્યા છે. જે મંદિરની સામે વિસ્ફોટ થયો તે એરાવાન શ્રાઈન કહેવાય છે. હિન્દુ અને બૌદ્ધ સિવાય અન્ય ધર્મના લોકો પણ અહીં આવે છે. મૃતકોમાં વધુ ચીની અને તાઈવાની લોકો છે. કોઈ ભારતીયનું મૃત્યુ થયું નથી.