બિશબેકઃ તુર્કસ્તાનનું એક માલવાહક વિમાન ૧૬મીએ કિર્ગિસ્તાનનાં મનાસ એરપોર્ટ નજીક એક ગામ પર તૂટી પડતાં ૩૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં ત્રણ પાઇલટ અને બાકીના સ્થાનિક રહીશોનો સમાવેશ થતો હતો. ચાર પાઇલટ પૈકીના એક પાઇલટનો મૃતદેહ હજુ કાટમાળમાં લાપતા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત હજુ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવા શક્યતા છે. કિર્ગિસ્તાનના અધિકારીએ જણાવ્યું હતું કે, બોઇંગ ૭૪૭ ગાઢ ધુમ્મસ વચ્ચે ઉતરાણ કરતું હતું ત્યારે આ હોનારત સર્જાઇ હતી. એર પોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, બિશબેક નજીક મનાસ ખાતે વિમાને રોકાણ કરવાનું હતું. હોંગકોંગ તરફથી ઇસ્તંબુલ તરફ જઈ રહેલા આ વિમાને સવારે ઉતરાણ કરવાનો પ્રયાસ કરતાં તૂટી પડયું હતું.