કોપનહેગનઃ ડેનમાર્કના ટ્રાવેલર ટોરબોર્ન પેડરસન દુનિયાના તમામ 203 દેશોની યાત્રા કરનાર અનોખા યાત્રી બની ગયા છે. ખાસ વાત એ છે કે 3.82 લાખ કિમી યાત્રા કરનારા પેડરસને પ્લેનનો ઉપયોગ નથી કર્યો. યાત્રા પૂર્ણ કરવામાં આશરે 10 વર્ષ લાગ્યાં અને દરરોજનો ખર્ચ 20 ડોલર (આશરે 1650 રૂપિયા) રહ્યો. પેડરસને એવો દાવો કર્યો છે કે એક પણ વખત વિમાનમાં ઉડાન ભર્યા વિના જ દરેક દેશની મુલાકાત લેનારા તે પહેલી વ્યક્તિ છે. ડેનમાર્કના આ અનોખા પ્રવાસીએ યાત્રાના રોમાંચ અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી છે. યાત્રા પૂર્ણ કરવામાં ખુબ સમય લાગ્યો હોવા છતાં તે ભારે ખુશ છે.
પ્રવાસ માટે 20 જુદા જુદા સાધનોનો ઉપયોગ
ડેનમાર્કના ટોરબોર્ન પેડરસને યત્રા માટે 20 જુદા જુદા સાધનોનો ઉપયોગ કર્યો હતો. જેમાં 351 બસ, સહિત અન્ય સાધનોનો સમાવેશ થાય છે. આમાં કન્ટેનરનો પણ સમાવેશ થાય છે. કયા સાધનનો ઉપયોગ કેટલી વખત કર્યો તે અંગે પેડરસન કહે છે કે 351 વખત બસમાં, 67 વખત મીની બસ, 219 વખત ટેક્સી, 46 વખત મોટરસાઇકલ ટેક્સી, 87 વખત શેરિંગ ટેક્સી, 4 વખત શેરિંગ મોટરસાઇકલ, 28 વખત ફોર વ્હીલર વાહનો, 9 વખત ટ્રક, 158 વખત ટ્રેન, 19 વખત ટ્રામ, 128 વખત મેટ્રો, 43 વખત રિક્ષા અને 40 વખત કન્ટેનરમાં પ્રવાસ કર્યો હતો.