તેનોઈઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સત્તાધીશ કિમ જોંગ ઉન વચ્ચેનો પરમાણુ શિખર સંવાદ નિષ્ફળ રહ્યો છે. ટ્રમ્પે કિમ સાથેની મિટિંગ રદ્દ કરી નાંખી હતી. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આ સંવાદમાં બંને દેશના નેતાઓ વચ્ચે કોઈ સમજૂતી થઈ શકી નહોતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, કિમે પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ હટાવવાની માગ વિશે કહેતા ત્યાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો હતો.
અમેરિકા અને ઉત્તર કોરિયા બંને દેશના નેતાઓ વચ્ચે ગત વર્ષે સિંગાપુરમાં ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. ત્યારબાદ ૨૮મી ફેબ્રુઆરીની બેઠકને લઈને ખૂબ આશાઓ પેદા થઈ હતી, પરંતુ બંને નેતાઓ સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવામાં સફળ રહ્યા નથી અને વાતચીત ગતિરોધ વચ્ચે સમાપ્ત થઈ ગઈ હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ક્યારેક ક્યારેક તમારે ચાલવું પડે છે અને આ એ પૈકીનો એક સમય હતો. મૂળે એ (કિમ) ઈચ્છતા હતા કે પ્રતિબંધો સંપૂર્ણ રીતે હટાવવામાં આવે અને અમે એવું કરી શકીએ નહીં. ટ્રમ્પ કિમ સાથે વધુ એક સમિટ માટે પણ સહમત નથી. તેમણે કહ્યું કે, હેનોઈમાં યોજાયેલી દ્વિતીય મુલાકાતમાં કોઈ ઠોસ પ્રગતિ થઈ શકે નહીં. શું કિમ સાથે ત્રીજી વખત સમિટ માટે કોઈ સહમતી થઈ છે? આ સવાલના પ્રત્યુત્તરમાં ટ્રમ્પે કહ્યું કે, હાલ કશુંય નક્કી નથી.