નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકીની હત્યાના મુદ્દે શરૂ થયેલો તણાવ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે. ભારતે ગુરુવારથી તત્કાળ અમલી બને તે રીતે કેનેડામાં વિસા પ્રોસેસ અટકાવી દીધી છે. બીજી તરફ, કેનેડાએ ભારતમાંથી તેના ડિપ્લોમેટ્સને પરત બોલાવી લેવાનો નિર્ણય કર્યો છે. જોકે આ સંદર્ભે તેણે વધુ વિગતો જાહેર કરી નથી. દરમિયાન એક અન્ય ઘટનામાં, કેનેડા ખાતે વધુ એક ખાલિસ્તાની નેતા સુખા દુનેકે ઠાર મરાયો હોવાના અહેવાલ છે. જોકે આ હત્યા માટે ગેંગવોર કારણભૂત મનાય છે.
ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સામેલગીરી હોવાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના આક્ષેપના પગલે બન્ને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ પછી કેનેડાએ ભારતીય રાજદ્વારી પવનકુમાર રાયની હકાલપટ્ટી કરી હતી, જેના જવાબમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડી જવા જણાવ્યું હતું.
હવે ભારતે આનાથી પણ એક ડગલું આગળ વધીને આકરું પગલું ભરતાં આજે - ગુરુવારથી કેનેડા ખાતે તત્કાળ અસરથી અમલી બને તે રીતે વિસા પ્રોસેસ અટકાવી દીધી છે. બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલી રહેશે. આ જાહેરાત કરતાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે કેનેડાસ્થિત ભારતીય હાઇ કમિશન અને દૂતાવાસોના કર્મચારીઓ પર મંડરાતા જોખમને ધ્યાને લઇને સુરક્ષાના કારણસર આ નિર્ણય લેવાયો છે.
બીજી તરફ, ભારતના આ પગલાના જવાબમાં કેનેડાએ તેના ભારતસ્થિત રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે. કેનેડાએ આ અંગે વધુ કોઇ વિગતો જાહેર કરી નથી.
વધુ એક ખાલિસ્તાની નેતાની હત્યા
દરમિયાન એક અન્ય ઘટનામાં, કેનેડા ખાતે વધુ એક ખાલિસ્તાની અલગતાવાદી સુખા દુનેકે ઠાર મરાયો હોવાના અહેવાલ છે. ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા સુખા દુનેકે ઉર્ફે સુખ્ખુને અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબારમાં ઠાર માર્યો હતો. જોકે આ ઘટના માટે ગેંગવોર કારણભૂત મનાય છે. અજાણ્યા બંદૂકધારીઓ સુખ્ખુના ઘરમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કરીને ૧૫ ગોળી ધરબી દીધી હતી.
સુખ્ખુની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સર બિશ્નોઇ ગેંગે સ્વીકારી છે.