નવી દિલ્હીઃ એર ઇન્ડિયાના નવા સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર બનવાની ઓફર મળ્યાના બે જ સપ્તાહમાં તુર્કીશ એરલાઈન્સના પૂર્વ ચેરમેન ઇલ્કર આયશીએ આ પદ સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો છે. ટાટા ગ્રૂપે તેમને એર ઇંડિયાનું સુકાન સંભાળવાની ઓફર કરી હતી, અને તેમણે આ ઓફર સ્વીકારી પણ લીધી હતી. જોકે ઇલ્કર આયશીએ ભારતીય મીડિયાનું એક જૂથ તેમને બદનામ કરી રહ્યું હોવાનો આક્ષેપ કરીને કંપનીનું નેતૃત્વ કરવાનો ઇન્કાર કરી દીધો છે.
નોંધનીય છે કે એર ઇન્ડિયાનું સુકાન સંભાળવા જેમને ઓફર કરાઇ હતી તેવા ઇલ્કર આયશી સામે એવા આરોપ છે કે તેઓ ભારતવિરોધી અભિગમ માટે જાણીતા તુર્કીના રાષ્ટ્રપતિ રેસપ તૈયપ એર્દોગાનના ખાસ માણસ છે. તુર્કી ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું છે. કાશ્મીર મુદ્દે પણ તે પાક.ની પડખે રહ્યું છે. આના કારણે ભારતમાં તેમની નિમણૂકનો વિરોધ શરૂ થયો હતો. સંઘ પરિવાર સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે તો ભારત સરકારને વિનંતી કરી હતી કે એર ઇન્ડિયાનું સીઇઓ પદ ઇલ્કર આયશીને ન સોંપાય, કેમ કે આથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો વધશે.
ટાટા સન્સ ગ્રૂપે ગયા મહિને 14 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે એર ઇન્ડિયાના નવા સીઈઓનું પદ આયશીને સોંપવામાં આવશે, સાથે તેમને એમડી તરીકે પણ કાર્યભાર સોંપવામાં આવશે. જોકે આ અહેવાલ આવતાં જ ઇલ્કર આયશી સામે ભારતીય મીડિયામાં વિરોધનો વંટોળ શરૂ થયો હતો. આ પછી આયશીએ ભારતીય મીડિયા પર પોતાને બદનામ કરવાનો આરોપ લગાવીને ટાટા ગ્રૂપની ઓફરને ઠુકરાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે મારી વરણી થઈ તે પછી મેં જોયું કે ભારતીય મીડિયાનો એક વર્ગ મારી આ નિમણૂંકને અલગ જ રંગ આપીને મને બદનામ કરી રહ્યો છે. આ પ્રકારના માહોલમાં મારા માટે આ પદ સ્વીકારવું યોગ્ય નથી.