નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મની લોન્ડરિંગ કેસની તપાસ તેજ કરવાની સાથે જ ચીની મોબાઈલ કંપની વિવોના બે ડિરેક્ટર્સ ભારત છોડીને ભાગી ગયા છે. કહેવાય છે કે તેઓ ચીન પરત જતા રહ્યા છે.
બીજી તરફ, ઈડીએ જણાવ્યું છે કે ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની વિવોએ ભારતમાં ટેક્સ ન ચુકવવો પડે તે માટે પોતાના ટર્નઓવરની 50 ટકા રકમ એટલે કે 62,476 કરોડ રૂપિયા ચીન મોકલ્યા છે. તપાસ દરમિયાન ઈડીએ કંપનીના 119 બેન્ક એકાઉન્ટમાં જમા 465 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી છે. આ ઉપરાંત 73 લાખ રૂપિયા રોકડા અને 2 કિલોગ્રામ ગોલ્ડ બાર પણ જપ્ત કર્યા છે. ઈડીએ ગત પાંચમી જુલાઈએ વિવો મોબાઈલ અને તેની 23 સહયોગી કંપનીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
દરોડાથી રોકાણ પણ અસર થશેઃ ચીન
વિવો કંપની પર મની લોન્ડરિંગના આરોપ હેઠળ કાર્યવાહી થતાં ચીન ધૂંધવાયું છે. ભારત સ્થિત ચીની દૂતાવાસના પ્રવકતા અને કાઉન્સેલર વાંગ શિયાઓજીયાને કહ્યું હતું ભારતીય સત્તાધીશો દ્વારા ચીની કંપનીઓમાં છાશવારે કરવામાં આવતી તપાસથી ચીન સહિતના અન્ય દેશોના ભારતમાં મૂડીરોકાણ કરવાના વિશ્વાસ અને ઇચ્છાને અસર થશે. તેમણે કહ્યું હતું કે ચીન અને ભારત વચ્ચેના આર્થિક તેમજ વેપાર સંબંધો પરસ્પર ફાયદા પર આધારિત છે અને તેના સારા પરિણામ પણ મળ્યા છે. ચીન સરકારે હંમેશાં ચીની કંપનીઓને વિદેશોમાં તેમના બિઝનેસ દરમિયાન હંમેશાં સ્થાનિક કાયદાઓનું પાલન કરવા કહ્યું છે અને ચીન સરકાર ચીની કંપનીઓના કાયદેસરના અધિકાર અને હિતો જળવાય રહે તે માટે હંમેશાં તેમને સમર્થન આપશે.