વિશ્વ એક નહિ થાય તો કોરોનાનો મરણાંક વીસ લાખે પણ પહોંચી શકે: WHO

Wednesday 30th September 2020 07:41 EDT
 
 

જિનિવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ઇમરજન્સી ડાયરેકટર માઇરલ રયાને જ્યારે કોરોનાને લીધે વિશ્વમાં મૃતકાંક ૧૦ લાખ થવાનો હતો ત્યારે ચેતવણી આપી હતી કે, કોરોનાને કાબૂમાં લેવા વિશ્વ સ્તરે વિવિધ દેશોએ સહિયારા પગલાં લેવા પડશે. જો વિશ્વના દેશો એક સાથે નહીં થાય તો મરણનો આંક જોતજોતામાં વીસ લાખે પહોંચવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ૨૯મી સપ્ટેમ્બરના અહેવાલો પ્રમાણે વિશ્વમાં કુલ કોરોના કેસની સંખ્યા ૩૩૬૮૩૮૩૫, મૃતકાંક ૧૦૬૮૫૨૫ અને વિશ્વમાં કોરોનામાંથી રિકવર થનારાઓની સંખ્યા ૨૪૯૮૯૪૯૯ થઈ હતી.
દુબઈ - યુકેના પ્રવાસીઓ દ્વારા સંક્રમણ
દુબઈ અને યુકેથી આવેલા પ્રવાસીઓએ ભારતમાં કોરોના ફેલાવ્યો હોવાનું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ટીએફએફ)ના અભ્યાસમાં જણાવાયું છે. આ અભ્યાસ જર્નલ ઓફ ટ્રાવેલ મેડિસિનમાં પ્રસિદ્ધ થયો હતો.
વૈજ્ઞાનિકોએ એન્ટિબોડીઝ શોધી
જર્મનીનાં વૈજ્ઞાનિકોએ અસરકારક એન્ટિબોડીઝ શોધી હોવાનો દાવો કર્યો છે જે કોરોનાની પેસિવ વેક્સિન બનાવવા ઘણી ઉપયોગી થઈ શકે છે. એક્ટિવ વેકિસનમાં જુદાજુદા ફોર્મ્યુલેશન્સમાંથી વેક્સિન બને છે જ્યારે પેસિવ વેક્સિનમાં રેડીમેડ એન્ટિબોડીઝનો ઉપયોગ કરાય છે જે થોડા સમય પછી ડીગ્રેડ એટલે કે ઓછા અસરકારક થઈ જાય છે. પેસિવ વેક્સિનની અસર તાત્કાલિક થાય છે જ્યારે એક્ટિવ વેક્સિનમાં હ્યુમન ટ્રાયલ થાય છે.
સાઉદીનો વિમાની વ્યવહાર સ્થગિત
ભારતમાં વધતા કોરોના સંક્રમણના કારણે સાઉદી અરબે ૨૪મીથી ભારત સાથેનો વિમાની વ્યવહાર સ્થગિત કર્યો હોવાનું જાહેર કર્યું હતું. ભારત ઉપરાંત સાઉદી અરબ, બ્રાઝિલ અને આર્જેન્ટિના સાથેનો વિમાન વ્યવહાર પણ સ્થગિત કરી ચૂક્યું છે.
છ મહિના બાદ મક્કા મસ્જિદ ખૂલશે
ઇસ્લામનાં સૌથી પવિત્ર સ્થાન - મક્કાની પવિત્ર ગ્રાન્ડ મસ્જિદ ચોથી ઓક્ટોબરથી મુસ્લિમો માટે ખૂલી જશે. લોકોને હવે ઉમરા માટે મસ્જિદ આવવા મંજૂરી છે.
ઇઝરાયલમાં બિનઆવશ્યક બિઝનેસ બંધ
કોરોનાની સતત વૃદ્વિને કારણે ઇઝરાયલે બીજા લોકડાઉનના નિયમ વધુ આકરા બનાવ્યા છે. સરકારે જરૂરી ન હોય એવા તમામ બિઝનેસને બંધ રાખવાનો અને લોકોને ઘરથી ૧૦૦૦ મીટરના વિસ્તારની અંદર રહેવાનો આદેશ આપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter