વિશ્વ ગુજરાતી સમાજ સિંગાપોરમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની વ્હારે આવ્યો

- દિગંત સોમપુરા Tuesday 28th April 2020 16:04 EDT
 

અમદાવાદઃ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસને લીધે લાખો લોકો ભોગ બન્યા છે. આ સંજોગોમાં ગુજરાતથી સિંગાપોર ભણવા ગયેલા વિદ્યાર્થીઓ ફસાઈ જતાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સિંગાપોર ગુજરાતી સોસાયટીનાં સહયોગથી આ તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક રાહત અપાવવામાં આવી હતી.
આશરે ૧૨થી પણ વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ સિંગાપોરમાં કોરોનાના કહેરને કારણે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયાં હતાં. તેમના પૈસા ખલાસ થઈ જતાં મકાનભાડું, રાશન અને ટ્રાન્સપોર્ટની સમસ્યા ઊભી થઈ હતી. સિંગાપોર સરકારે પણ આ વિદ્યાર્થીઓ માટે કોઈ મદદની વ્યવસ્થા ઊભી કરી ન હતી. આ સંજોગોમાં હતાશ થઈ ગયેલા વિદ્યાર્થીઓએ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી. કે. પટેલનો ઈન્ટરનેટથી સંપર્ક કર્યો હતો. ગુજરાત અને ગુજરાતીઓનાં હિતને સમર્પિત એવા સી. કે. પટેલે તુરંત જ પોતાના વિશ્વાસુ સંપર્કો દ્વારા સિંગાપોર ગુજરાતી સોસાયટીનો સંપર્ક કર્યો હતો.
સિંગાપોર ગુજરાતી સોસાયટીનાં પ્રમુખ બિરેન દેસાઈનાં સાસુનાં અવસાનનો દુઃખદ પ્રસંગ બન્યો હોવા છતાં તેમણે તેમની ટીમનાં સભ્યો તુષાર દોશી, કિર્તીભાઈ વોરા વગેરેની મદદથી ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને તાત્કાલિક રીતે અન્ય સલામત હોસ્ટેલમાં ગોઠવણ કરી હતી. વિદ્યાર્થીઓને તેમનાં ભાડાંના રહેઠાણથી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરીને તમામ વિદ્યાર્થીઓને કોરોનાનાં પ્રોટોકોલ મુજબ સલામત હોસ્ટેલમાં તેમને તબદીલ કર્યાં હતાં. આ વ્યવસ્થા કરતાં અગાઉ સિંગાપોર ગુજરાતી સોસાયટીનાં બિરેનભાઈ, તુષારભાઈ અને કિર્તીભાઈએ ભારતીય હાઈકમિશનનને પણ આ અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.
હોસ્ટેલમાં તબદીલ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને રહેવા સહિત ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓને મેડિકલ સહાયની જરૂર હતી તે અંગે પણ સિંગાપોર ગુજરાતી સોસાયટીએ વિશેષ કાળજી રાખી હતી.
વિશ્વમાં ફેલાયેલ ગુજરાતીઓ એકતાંતણે બંધાયેલા રહે અને ગુજરાત-ભારતની સુવાસ દુનિયાબરમાં ફેલાવતા રહે તેવા શુભાશયથી વિશ્વ ગુજરાતી સમાજ સતત કાર્યશીલ છે. કોરોના મહામારીનાં કપરાં સમયમાં વિશ્વ ગુજરાતી સમાજે અગાઉ પણ યુરોપ અને ફિલિપાઇન્સમાં ફસાયેલા ગુજરાતીઓ માટે સરહાનીય કામગીરી કરી છે. સી. કે. પટેલની આ પ્રશંસનીય કામગીરી બદલ લંડનસ્થિત સી. બી. પટેલે વિશ્વ ગુજરાતી સમાજ અને તેમની ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter