વિશ્વના અગ્રણી અખબારો ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાના મોદી સરકારના નિર્ણય અંગે શું કહે છે?
• ન્યૂ યોર્ક ટાઇમ્સ (યુએસ)
અમેરિકી અખબારે લખ્યું કે, ખેડૂત આંદોલન સામે મોદી સરકારે છેવટે વલણ બદલવું જ પડ્યું. સરકારે સોફ્ટ એપ્રોચ અપનાવીને નિર્ણય લેતા વિવાદિત કૃષિ કાયદા પાછા ખેંચી લીધા. ખેડૂતોએ પણ સરકારનો આ નિર્ણય આવકાર્યો.
• ધ ગાર્ડિયન (યુકે)
બ્રિટિશ અખબારે લખ્યું કે ભારતના ખેડૂતો માટે આ એક બહુ મોટી જીત છે. તે માટે તેમણે લગભગ એક વર્ષ સુધી આંદોલન કર્યું. આ કેન્દ્ર સરકારના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકી એક છે, કેમ કે સરકાર આ મુદ્દે અડગ હતી. આ પગલાં પર સૌની નજર હતી.
• સીએનએન (યુએસ)
અમેરિકી વેબસાઇટ સીએનએને લખ્યું કે ભારત સરકાર હવે કૃષિ કાયદા રદ કરશે. કેટલાંક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારનો આ દુર્લભ નિર્ણય છે, કેમ કે એકેય સરકાર ખેડૂતોને નારાજ કરવાનું જોખમ ન લઇ શકે. ચૂંટણી થવાની છે તેમાંથી ઘણાં રાજ્યોમાં ભાજપ સત્તા પર છે.
• ધ ગ્લોબ એન્ડ મેલ (કેનેડા)
કેનેડિયન અખબારે લખ્યું કે વડા પ્રધાન મોદીએ ફરી એક વાર ચોંકાવી દીધા. પ્રકાશપર્વ પર મોદીની આ જાહેરાતના ઘણા ગૂઢાર્થ નીકળી શકે છે. રાજકીય કારણો પણ મહત્વપૂર્ણ છે. આ કાયદા પસાર થયા ત્યારથી સરકારની તકલીફો વધી રહી હતી.
• ધ ડોન (પાકિસ્તાન)
પાકિસ્તાની અખબારે લખ્યું કે કૃષિ કાયદા મુદ્દે મોદીએ પારોઠનાં પગલાં ભરવા પડ્યાં. એક વર્ષના આંદોલન બાદ છેવટે ખેડૂતોની મોટી જીત.
• ડાયચે વેલે (જર્મની)
જર્મન અખબારે જણાવ્યું કે ભલે કૃષિ કાયદા પાછા ખેંચાયા હોય પણ ખેડૂતોને હજુય સરકાર પર બહુ ભરોસો નથી.