ઝુરિચઃ વિશ્વની ટોચના અબજોપતિઓની એકત્રિત સંપત્તિમાં વર્ષ ૨૦૧૮માં વીતેલા ત્રણ વર્ષમાં પહેલી જ વાર નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. તેમની નેટવર્થમાં વર્ષ ૨૦૧૮માં ૩૮૮ અબજ ડોલર (રૂપિયા ૨૭.૫૫ લાખ કરોડ) ઘટીને ૮.૫૩ ટ્રિલિયન ડોલર (૬૦૬ લાખ કરોડ રૂપિયા)ની સપાટીએ પહોંચી ગઇ હતી. વર્ષ ૨૦૧૫ પછી પહેલી જ વાર તેમની સંપત્તિમાં ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક રાજકીય ઊથલપાથલ અને શેરબજારમાં જોવા મળેલી અસ્થિરતાને કારણે આમ બન્યું છે. ચીન અને ભારત સહિત સમગ્ર એશિયા-પ્રશાંત વિસ્તારમાં અબજોપતિની સંપત્તિમાં ગયા વર્ષે ખૂબ ઘટાડો નોંધાયો હતો. યુબીએસ સહિત વિશ્વભરની ખાનગી બેન્ક્સનું માનવું છે કે અમેરિકા-ચીન ટ્રેડવોર અને અસ્થિર રાજકીય વાતાવરણને પગલે રોકાણકારો શેરબજારથી છેટા રહ્યા. તેમણે નાણા જમા કરવા પર વધુ ધ્યાન આપ્યું. જોકે યુબીએસના મુખ્ય રોકાણ અધિકારી સાયમને જણાવ્યું હતું કે આ વર્ષે ફરી અમીરોની સંપત્તિ વધી શકે છે.