નવી દિલ્હીઃ ચેરિટી ઓક્સફામના અહેવાલમાં દાવો કરાયો છે કે વિશ્વના પાંચ સૌથી ધનવાનોની સંપત્તિ વર્ષ 2020 પછી અત્યાર સુધીમાં વધીને બમણી થઇ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસ ખાતે ચાલી રહેલી બેઠકમાં આ અહેવાલ જારી થયો છે. જે પાંચ ટોચના અમીરોની સંપત્તિમાં ધરખમ વધારો નોંધાયો છે તેમાં એલવીએમએચના વડા બર્નાર્ડ આર્નોલ્ડ, એમેઝોનના વડા જેફ બેજોસ, રોકાણકર્તા વોરેન બફેટ, ઓરેકલના સંસ્થાપક લેરી એલિસન અને ટેસ્લાના સીઇઓ એલન મસ્કનો સમાવેશ થાય છે.
વિશ્વના ટોચના પાંચ અમીરોની સંપત્તિ વર્ષ 2020 પછી અત્યાર સુધીમાં 405 બિલિયન ડોલર વધીને 869 બિલિયન ડોલર થઇ ગઇ છે. આ અમીરોની સંપત્તિ પ્રતિ કલાક સરેરાશ 1 કરોડ 40 લાખ ડોલરની ગતિએ વધી રહી છે. વર્ષ 2020 પછી અત્યાર સુધીમાં પાંચ બિલિયન લોકોની આવક ઘટી છે અને ગરીબોની સંખ્યા વધતી રહી છે. અમીરોની સંપત્તિ વર્ષ 2020 પછી સરેરાશ 3.3 બિલિયન ડોલર વધી છે. અહેવાલ મુજબ આવનારા 229 વર્ષ સુધી ગરીબી દૂર કરી શકાય તેમ નથી.