વિશ્વના દેશોએ કોરોના સામે લડવા નાગરિકોને રોકડ સહાય જાહેર કરી

Wednesday 25th March 2020 05:40 EDT
 
 

વોશિંગ્ટન: કોરોનાના કારણે ચીન, અમેરિકા, ઈટલી જેવા દેશોમાં તાળાબંધીની સ્થિતિના કારણે અનેક દેશોમાં ઔદ્યોગિક ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. લોકો પર જીવના જોખમની સાથે આર્થિક સંકટની પણ સમસ્યા ઊભી થઈ છે. આવા સમયે અમેરિકા, સિંગાપોર, હોંગ કોંગે નાગરિકોને પ્રત્યક્ષ રોકડ સહાયની જાહેરાત કરી છે. બ્રિટનના નવનિયુક્ત ચાન્સેલર ઋષિ સુનાકે કોરોના વાઇરસનો સામનો કરવા માટે ૧૪.૫ બિલિયન ડોલરના ઈમર્જન્સી પેકેજની જાહેરાત કરી છે.

અમેરિકાની ૧૦૦૦ ડોલરની સહાય

અમેરિકામાં કોરોના વાઇરસનો સામનો કરતાં લોકોની આવકમાં ઘટાડો આવતા વર્ષના અંતે પ્રમુખપદની ચૂંટણી લડનારા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાગરિકો માટે માસિક ૧૦૦૦ ડોલરની યોજના જાહેર કરી છે. ટ્રમ્પ તંત્રે બેરોજગારી વીમા માટે ઈમર્જન્સી ગ્રાન્ટ્સમાં ૧ બિલિયન ડોલરની સહાયનું પેકેજ જાહેર કર્યું છે.

સિંગાપોરમાં કામદારોને ગ્રાન્ટ

સિંગાપોરે સ્થાનિક કામદારો માટે રોકડ સહાયની યોજના રજૂ કરી છે. આ યોજના હેઠળ કોરોના વાઇરસના આ સમયગાળા દરમિયાન સ્થાનિક કામદારોની રોજગારી જળવાઈ રહેશે તેમ નાયબ વડા પ્રધાન હેંગ સ્વી કેટે જણાવ્યું હતું. જોબ્સ સપોર્ટ સ્કીમ હેઠળ સ્થાનિક કામદારોને માસિક ૩,૬૦૦ ડોલર સુધીની સહાય કરાશે. સિંગાપોર આ વર્ષે જુલાઈમાં ૧.૩ બિલિયન ડોલરનું પેકેજ જાહેર કરશે, જેનો લાભ ૧.૯ મિલિયન કર્મચારીઓને મળશે.

હોંગ કોંગ ૧૨૦૦ ડોલર આપશે

નાણાકીય સંકટમાં મુકાયેલી પ્રજાને સહાય પૂરી પાડવા માટે હોંગ કોંગે તેના નાગરિકોને ૧૨૦૦ યુએસ ડોલરની સહાય આપવાની યોજના બનાવી છે. જેનો લાભ ૭૦ લાખથી વધુ લોકોને મળશે. હોંગ કોંગમાં ૧૮ વર્ષથી વધુ વયના કાયમી નિવાસી લોકો આ સહાય માટે પાત્ર હશે. અર્થતંત્ર પર કોરોનાની અસરો ઘટાડવા માટે હોંગ કોંગે ૧૨૦ બિલિયન ડોલરનું રાહત પેકેજ જાહેર કર્યું છે.

જર્મનીમાં ઉદ્યોગોને ૧.૧ બિલિયન ડોલર

નાગરિકોને સહાયની સાથે યુરોપના દેશોએ કોરોનાના કારણે આર્થિક સંકટનો સામનો કરતી કંપનીઓને પણ રાહત આપવાની જાહેરાત કરી છે. જર્મનીએ દરેક કદની કંપનીઓ અને ઉદ્યોગોને આવરી લેતું ૧.૧ બિલિયન ડોલરનું ભંડોળ જાહેર કર્યું છે. આ ધિરાણ સરકારી માલિકીની કેએફડબલ્યુ બિઝનેસ ડેવલપમેન્ટ બેન્ક મારફત કરાશે. ઉપરાંત કંપનીઓને અનેક કર રાહતો અપાશે તથા લોનની વિલંબથી ચૂકવણી પર દંડ વસૂલાશે નહીં.

સ્પેન ફાળવશે ૨૧૯ બિલિયન ડોલર

સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે કોરોના વાઇરસના જોખમનો સામનો કરતી કંપનીઓના કામદારો અને નબળા જૂથોના રક્ષણ માટે ૨૧૯ બિલિયન ડોલરનું ભંડોળ જાહેર કર્યું છે. સ્પેનિશ સરકાર ૧૧૭ બિલિયન યુરો એકત્ર કરશે જ્યારે બાકીનું ભંડોળ ખાનગી કંપનીઓ પૂરું પાડશે.

ફ્રાન્સનું ૫૦ બિલિયન ડોલરનું પેકેજ

ફ્રાન્સે નાની કંપનીઓ માટે ૫૦ બિલિયન ડોલરના સહાય પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે કોરોનાના કારણે દુકાનો અને રેસ્ટોરાં બંધ રાખવાની ફરજ પડતાં બેરોજગાર થઈ ગયેલાં કામદારો માટે અબજો ડોલરની સહાય જાહેર કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter